________________
મહાવીરનો વારસદાર કોણ?
(૩૯ આભાસનું ફળ ભોગવવું પડે છે.
મુંબઈની માયાચારી તથા દિલ્હીની દુરાચારી આખા જગતમાં પ્રસિદ્ધ છે. હવે તો મોટામોટા શહેરોમાં એવું બને છે કે બે પચાસ પૈસાને ચોંટાડીને એક પાંચના સિક્કા જેવો આકાર તૈયાર કરવામાં આવે છે. ચાલાક લોકો સામાન્ય લોકોને ઉતાવળમાં દેખીને તેમને બે પચાસ પૈસાને ચોંટાડીને બનાવેલા સિક્કાને પાંચ રૂપિયાના રૂપમાં આપી દે છે. એકવાર મેં મુંબઈની એક દુકાન પરથી પંદર રૂપિયાની વસ્તુ ખરીદીને દુકાનદારને વીસ રૂપિયાની નોટ આપી. તે દુકાનદારે મને પાંચ રૂપિયા પાછા આપ્યા એમ સમજીને હું ત્યાંથી ઘેર પાછો આવ્યો. ફરી એ જ દુકાને પાંચ રૂપિયાની વસ્તુ લેવા ગયો તો દુકાનદારે તે સિક્કાને છીણી અને હથોડી વડે અલગ-અલગ કરીને કહ્યું કે આ તો બે પચાસ પૈસા છે. ત્યારે મેં તેમને ઘણાં સમજાવ્યા કે આ સિક્કો તમારી પાસેથી જ લઈ ગયો હતો, પરંતુ તેઓ માન્યા નહિ. જ્યારે મેં વિચાર કર્યો કે ખરેખર ભૂલ કોની હતી? ત્યારે સમજાયું કે ભૂલ તો મારી જ હતી. બે પચાસ પૈસાને મેં પાંચ રૂપિયાનો એક સિક્કો માની લીધો. તેનાં કારણે મને ચાર રૂપિયાનું નુકસાન ગયું. એ ચાર રૂપિયાનું નુકસાન થયું એ તો ચાલશે. પણ આત્મા અને શરીર બંનેને એક માની લેવાથી ચાર ગતિના પરિભ્રમણનું નુકસાન થશે તેથી તે નુકસાન ચલાવી લેવા જેવું નથી. જે શરીરમાં અમુક વર્ષો માટે રહેવાનું હોય, તેના સંબંધમાં એત્વ વિકલ્પ અને રાગ-દ્વેષ કરવાથી શું વળવાનું છે? હાં! એટલું જરૂર થશે કે તેના એકત્વથી સંસાર પરિભ્રમણ થશે.
અજ્ઞાનીને અનાદિકાળથી શરીરમાં એકત્વબુદ્ધિ હોવાથી તેને સદ્ગુરુ કે સન્શાસ્ત્રના માધ્યમથી આત્માની વાત સાંભળવી કે વાંચવી રુચતી નથી. જેવી રીતે કોઈ બાળકનું નામ ચિંટુ હોય, પરંતુ કોઈ તેને મોટુ કહીને બોલાવે તો તેને ખરાબ લાગે છે, ગુસ્સો આવે છે. કારણ કે તેને ચિંટુમાં દઢતાપૂર્વક એકત્વબુદ્ધિ પડેલી છે. તેથી જો કોઈ તેને અન્ય નામે સંબોધન કરે તો તે ક્રોધિત થઈ જાય છે. તેવી રીતે આત્માને શરીરમાં અનાદિકાળથી એકત્વબુદ્ધિ પડેલી હોવાથી આત્મા તરીકે સંબોધન કરતા સદગુરુ કે શાસ્ત્ર પ્રત્યે આત્માને અરુચિ થાય છે, ક્રોધ પણ આવે છે.