________________
શ્રીમદ્ રાજચંદ્ર
એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી; અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ; વ્રત, નિયમનો કંઈ નિયમ રાખ્યો નથી; જાતભાતનો કંઈ પ્રસંગ નથી; અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે; સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઇચ્છા નથી; શબ્દાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી, અથવા ઈશ્વરેચ્છાથી તેની ઇચ્છા રહી નથી; પોતાની ઇચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે;