________________ પ્રાસ્તાવિક પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વીસરવા એ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખનો હેતુ છે. શ્રીમદ્ રાજચંદ્ર “અમારા અનુભવનું ફળ વીતરાગતા છે' એવું જગતના વ્યવહારને અપરિચિત પણ જ્ઞાનીઓ, સાધકો અને ભક્તોના વ્યવહારનું મૂળદર્શક વચન જેના અંતર અનુભવનો આસ્વાદ પ્રગટ કરે છે તે પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રનું વિપુલ આધ્યાત્મિક સાહિત્ય “શ્રીમદ્ રાજચંદ્ર” એ નામના ગ્રંથમાં સંગ્રહિત થયું છે. | મુમુક્ષુઓને એ વચનામૃતના આસ્વાદનો લાભ મળે અને વીતરાગના માર્ગે વિચાર અને વર્તન-પરિણામ કરવામાં સહાયક થાય - એ હેતુથી એ વિશાળ ગ્રંથમાંથી વિવિધ અર્થ અને લક્ષનાં કેટલાંક વચનામૃતો સંકલિત કરી અત્રે આપવામાં આવ્યાં છે. વીતરાગતા જેનો અનુભવ છે એના વચનો જ વીતરાગતા પ્રેરી શકે એ તદન સત્ય અને સ્વાભાવિક છે, તેથી આ સંગ્રહનું અભિધેય પણ શ્રીમદ્ રાજચંદ્રના વચનમાં જ “ઔષધ જે ભવરોગનાં” રાખવામાં સાર્થકતા જણાશે. આ વચનો વાંચનારને, વિચારનારને, સાધકને સૌને ભવરોગથી મુક્ત થવામાં ઉત્તમ ઔષધરૂપ થાઓ એ હેતુથી આ પુસ્તક આપની સમક્ષ મૂકતાં આનંદ થાય છે. ‘શ્રેયસ' દાંડિયા બજાર, વડોદરા-૩૯૦૦૦૧ સં. 2029 જેઠ સુદ 13 બુધવાર શોભાગચંદ ચુ. શાહ