________________
૧૦૩
ઔષધ જે ભવરોગનાં
૧૦૬ જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે; અર્થાત્ જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ-વૃદ્ધિ કરવાની ઇચ્છા ઉત્પન્ન થતી નથી; અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે; તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની ઇચ્છા નિવૃત્ત થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે, તેવા આ સંસારમાં કાર્યપણે-કારણપણે પ્રવર્તવાની ઇચ્છા રહી નથી, તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિષે વર્તે છે, તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ-પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમપરિણામે વેદન કરીએ છીએ, તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદયરોગ છે, એમ જાણી ક્વચિત્ ખેદ પામીએ છીએ, ક્વચિત્ વિશેષ ખેદ પામીએ છીએ; અને તે ખેદનું કારણ વિચારી જોતાં તો પરાનુકંપારૂપ જણાય છે.