________________
૩૯૬ : સ્વાધ્યાય સંચય
અન્ય પદો એક જ દે ચિનગારી મહાનલ! એક જ દે ચિનગારી. ટેક ૦ ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ખરચી જિંદગી સારી; જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. મહા ૦ ચાંદો પ્રગટયો સૂરજ પ્રગટ્યો, પ્રગટી આભ અટારી; ના પ્રગટી એક સગડી મારી, વાતવિપદની ભારી. મહા ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી; વિશ્વાનલ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી. મહા ૦
જીવનજ્યોત જગાવો, પ્રભુ હે! જીવન જ્યોત જગાવો; ટચુકડી આ આંગળીઓમાં, ઝાઝું જોર જમાવો; આ નાનકડા પગને વેગે (૨) રમતાં જગત બનાવો–
અમને સંચરતાં શિખવાડો–સંચરતાં પ્રભુ હે! ૧ વણ દીવે અંધારે જોવા, આંખે તેજ ભરાવો; વણ જહાજે દરિયાને તરવા(૨) બળ બાહુમાં આવો–
અમને ઝળહળતાં શિખવાડો–ઝળહળતાં પ્રભુ હે! ૨ ઊગતાં અમ મનનાં ફૂલડાંને, રસથી સભર બનાવો; જીવનના રંગો ત્યાં ભરવા(૨) પીંછી તમારી હલાવો–
અમને મઘમઘતાં શિખવાડો–મઘમઘતાં. પ્રભુ હે! ૩ ઉરની સાંકડી શેરીના, પંથ વિશાળ રચાવો; હૈયાના નાના ઝરણાને(૨) સાગર જેવું બનાવો–
અમને ગરજતાં શિખવાડો-ગરજતાં પ્રભુ હે! ૪ અમ જીવનની વાદળી નાની, આભ વિષે જ ઉડાવો; સ્નેહ-શકિત-બલિદાન-નીરથી,(૨) ભરચક ધાર ઝરાવો–
અમને સ્થળ-સ્થળમાં વરસાવો–સ્થળ પ્રભુ હે! ૫