________________
૧૪ : સ્વાધ્યાય સંચય
યોગ્ય છે; આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમદર્શનને પ્રાપ્ત થાય, સમ્યકદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ-વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે. તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ–અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાસ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિકાળમાં પણ તેમ જ થશે.
જે સત્પરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સત્પરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એવા સર્વ સત્પરુષો, તેના ચરણારવિંદ સદાય દ્ધયને વિષે સ્થાપન રહો!