________________
તે રડવા લાગી. તેની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. રડતાં રડતાં ફરી તેણે ભગવાન મહાવીરને આહારદાનું સ્વીકારવાની વિનંતી કરી. ભગવાન મહાવીરે જોયું કે તેની આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે અને હવે તેમની બધી જ શરતો અભિગ્રહ સંપૂર્ણપણે પૂર્ણ થઇ છે માનીને તેઓ આહારદાન સ્વીકારવા માટે પાછા ફર્યા. ચંદનબાળાએ ભગવાન મહાવીરને અડદના બાકળા વહોરાવ્યાં અને ખૂબ સંતુષ્ટ પ્રસન્ન થઈ.
ભગવાન મહાવીરે પાંચ માસ અને પચીસ દિવસ પર્યત ઉપવાસ કર્યા હતા આથી સ્વર્ગમાં દેવતાઓએ પણ ભગવાન મહાવીરના પારણાંનો દિવસ મહોત્સવપૂર્વક મનાવ્યો. ચમત્કારિક શક્તિઓના પરિણામ સ્વરૂપે ચંદનબાળાની બેડીઓ તૂટી, તેના મસ્તક પર સુંદર કેશકલાપ થયો અને તેણે ફરી રાજકુમારીનો વેશ ધારણ કર્યો. દિવ્ય સંગીત અને મહોત્સવના નાદથી રાજા શતાનિકને મહોત્સવની જાણ થઈ. તેઓ સમગ્ર પરિવાર, પ્રધાન મંડળ અને અનેક નગરજનો સાથે ચંદનબાળાને મળવા આવ્યાં. તેમાં પિતાના રાજયનો એક નોકર હતો, તે ચંદનબાળાને ઓળખી ગયો. તે ચંદનબાળા તરફ ગયો, નમસ્કાર કર્યા અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. રાજા શતાનિકે તેના રડવાનું કારણ પૂછ્યું. તેણે પ્રત્યુત્તર આપતાં ચંદનબાળાની ઓળખાણ આપી કહ્યું, "હે રાજન્ ! આ વસુમતી, ચંપાપુરીની રાજકુમારી રાજા દધિવાહન અને રાણી ધારિણીની પુત્રી છે" રાજા અને રાણી પણ હવે તેને ઓળખી ગયા અને તેઓને તેણીને તેમની સાથે રહેવા આમંત્રણ આપ્યું. પછી જ્યારે ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમણે ચર્તુવિધ સંઘની સ્થાપના કરી. તે સમયે ચંદનબાળાએ ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી અને પ્રથમ સાધ્વી બની. તેણી જૈન પરંપરાની સાધ્વીઓની અગ્રણી બની. પછી ક્રમશઃ તેણે પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છેલ્લે જીવન-મરણના ચક્ર-ફેરામાંથી મુક્તિ પ્રાપ્ત કરી નિર્વાણ પ્રાપ્ત કર્યું. આ કથામાં ઉલ્લેખિત ઉલ્લેખો પરથી આપણને ઘણું વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. મૂળાનું હૃદય ઇર્ષાગ્નિથી અંધ બની ગયેલ અને તે કારણે તે ચંદનબાળાની અસલિયત પામી શકી નહીં આથી તે માતાની યોગ્ય ભૂમિકા ભજવી શકી નહીં અને પિતાની કરુણાને સમજી શકી નહી. આ વસ્તુ તેને ભયંકર વસ્તુ તરફ દોરી ગઈ જેને પરિણામે તેણે અશુભ કર્મ બંધ બાંધ્યો. તેનો આ વ્યવહાર ઇર્ષાની વિનાશાત્મક શક્તિનું ચિત્ર ઉપસ્થિત કરે છે અને આ પરથી આપણને શા માટે ઇષ્યવૃત્તિનો ત્યાગ કરવો તે સમજાવે છે. બીજુ, વૃદ્ધ નોકરડીએ નિઃસ્વાર્થભાવે દયાથી પ્રેરાઈને ધનાવહને સંપૂર્ણ વિગતથી વાકેફ કર્યા અને તેણે મૂળાને હાથે પોતાના વિનાશનું જોખમ વહોર્યું. આ શુભ કાર્ય દ્વારા તેણે પુણ્ય કર્મનું ઉપાર્જન કર્યું જે જૈન ધર્મના સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે. તેવી જ રીતે ધનાવહની કરુણા અને ચંદનબાળાને પોતાની પુત્રી તુલ્ય પ્રેમ-માવજત કરી તેને જે મદદ-સહાય કરી તે અનાથને મદદ કરવાની ઇચ્છાની પૂર્તિ કરે છે. અંતિમ ચરણમાં પોતે દયાજનક પરિસ્થિતિમાં હોવા છતાં પણ ભગવાન મહાવીરને આહારદાન કરવું તે અત્યંત નિઃસ્વાર્થ અને હૃદયના ઊંડાણમાંથી ઉદ્ભવતું સાત્વિક વર્તન છે. જૈન ધર્મના સિદ્ધાંતનું અનુસરણ કરીને છેવટે ચંદનબાળા મુક્તિપંથે પ્રયાણ કરે છે.
156