________________
પ્રતિષ્ઠા મહોત્સવના સહ-સંયોજકનો સંદેશ
કૌશિક નરશી શાહ જય જિનેન્દ્ર, પ્રણામ, ઇસ્વી સન્ ૧૯૯૭ના ૭મી સપ્ટેમ્બરના દિવસે આપણા ઓશવાલ સેંટરમાં શિખરબંધી દેરાસર માટે ભૂમિપૂજન અને ખનનવિધિનો સમારંભ યોજાયો. ત્યાર બાદ ૧૪મી સપ્ટેમ્બર ૧૯૯૭ના રોજ શિલાન્યાસ વિધિ સંપન્ન થયો. લગભગ ૮ વરસના અંતરાલ પછી આપણે યુરોપની "વર્જિન" ધરતી ઉપર સર્વપ્રથમ શિખરબંધી જિનાલયના પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીમાં લાગ્યા છીએ. પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આપણે દેરાસરના મૂળ ગભારામાં જિનબિંબોની (શ્રી મહાવીરસ્વામી ભગવાન, શ્રી આદીશ્વર ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાનની દિવ્ય પ્રતિમાઓ) પ્રતિષ્ઠા જોઇશું. સાથે-સાથે આપણે શાંતિનાથ ભગવાન તથા અત્યાર સુધી ઘર દેરાસરમાં બિરાજમાન શ્રી મહાવીરસ્વામી ભગવાન, શ્રી પદ્માવતી માતા તથા શ્રી માણીભદ્ર દાદાની પ્રતિમાઓ રંગમંડપમાં નિર્મિત દેવકુલિકાઓમાં સ્થાપિત કરીશું. આ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ માત્ર યુ. કે, ના ઓશવાલ એસોસિએશન અને હાલારી વીસા ઓશાવાલ સમાજ માટે જ નહિ પરંતુ યુ. કે, અને યુરોપના સમગ્ર જૈન સંઘો માટે આ અતિ મંગલકારી અને ઐતિહાસિક મહોત્સવ બનશે. આ દેરાસર વિશેષ કરીને નવી પેઢીમાં જૈન ધર્મ અંગેની જાગૃતિનો ઉધાડ કરશે એમાં જરીયે સંદેહ નથી. છેલ્લા બે વરસથી દેરાસર સાથે સંબંધિત તમામ વિધિઓ તથા આયોજનોમાં ઉપસ્થિત યુવકોની વિશાળ સંખ્યા એનો પુરાવો છે. પ્રતિષ્ઠા મહોત્સવના મારા બે સહ-સંયોજકો શ્રી અશ્વિનભાઈ ધરમશી શાહ તથા શ્રી ધીરજલાલ દેવરાજ કરાણીયા સાથે હું બધાંજ સ્વયંસેવકો, એરિયા કમિટી તથા કાર્યકારી કમિટી કે જેમણે આ અવિસ્મરણીય પ્રસંગની તૈયારી માટે અમને પૂર્ણ સહકાર તથા સહયોગ આપ્યો છે, એ તમામ પ્રત્યે હું હાર્દિક કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું. આ એક મહાન ટીમ વર્ક- સંઘ શક્તિનો ભવ્ય પુરુષાર્થ છે. બધાયે ટૂંકી સૂચનામાં પણ સહ-સંયોજકોને પૂરો સહકાર આપ્યો છે. આ ઇચ્છા અને ઇરાદાઓ શ્રેષ્ઠ હોવા છતાં પણ આવા મોટા કાર્યના આયોજન અને અમલીકરણમાં ક્યાંય થોડી-ઘણી ક્ષતિઓ રહી જાય છે અને નાની સરખી વિગતોને પણ ધ્યાનમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. આમ છતાંયે અમારા વ્યવસ્થા તંત્રમાં કોઇ પણ જાતની ખામી કે કચાશ માટે અમે હૃદય પૂર્વકની ક્ષમા યાચના કરીએ છીએ. કેટલાક એવા નિર્ણયો પણ અમારે લેવા પડ્યા જે અમારા માટે દુ:ખદ હતા, અમે ભારત ખાતે બિરાજમાન પૂજ્ય મહારાજ સાહેબો સમક્ષ અમારી મુશ્કેલીઓ વર્ણવી હતી. સાથે અમે એમને વિનમ્ર ખાત્રી આપી હતી કે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોથી વિપરીત જાણે કે અજાણે ક્યાંય કશુ કર્યું નથી અને કરવાના પણ નથી. મને લાગે છે કે આપણે સંયુક્ત સહ સંયોજક અને આપણા સાથી કાર્યકરોએ એમના પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા અને આભારની લાગણી વ્યક્ત કરવી જોઇએ કારણ કે એ બધાયે બે વરસથી આપણા બધા માટે સમય વગેરેનો ઘણો-બધો ભોગ આપેલો છે. જેના પરિણામસ્વરુપે આપ સહુ જિનશાસનના સમર્પિત ભક્તો માટે પ્રેરણારુપ નવીન જિનાલયના નિર્માણનું સ્વપ્ન સાકાર કરી શક્યા.
કૌશિક નરશી શાહ સહ-સંયોજક, પ્રતિષ્ઠા મહોત્સવ