________________
દેરાસર પ્રોજેક્ટ ચેરમેનનો સંદેશ
ધીરજલાલ દેવરાજ કરાણીયા
જય જિનેન્દ્ર, પ્રણામ,
ઇસ્વી સન્ ૨૦૦૨માં કાર્યકારિણી કમિટીએ દેરાસર યોજનાની સબ કમિટીના ચેરમેન તરીકે મારી નિમણૂંક કરીને મને સન્માન આપ્યું. જો કે મારા માટે આ એક મોટો પડકાર હતો પણ મેં પૂરી સમજદારી સાથે એનો સ્વીકાર કરેલો. મને ખબર હતી કે આમાં મારે કેટલી હદે ઓતપ્રોત બનવું પડશે અને ઘણોબધો વ્યક્તિગત ભોગ આપવો પડશે. મને શ્રદ્ધા હતી, પ્રભુ મહાવીર અને અન્ય તીર્થંકર ભગવંતોના આશીર્વાદ મારા સાથે છે. ૧૯૭૭ના સેપ્ટેબર મહિનામાં મહોત્સવપૂર્વક દેરાસરના કાર્યના શ્રીગણેશ થયા. અલબત્ ૧૯૯૯માં પાયો પૂરવાની પ્રક્રિયા બાદ કામ સ્થગિત થઈ ગયું. મારી નિમણૂંક થતાંની સાથે જ મેં વ્યાવસાયિક નિર્માણકર્તાઓની ટીમને ભેગી કરી અને નક્કી કર્યું કે આ મહત્ત્વપૂર્ણ અને ઉત્તમ કાર્યની પૂર્ણાહૂતિ સુધી એ ટીમ જ બધું જોશે.
મને એ કહેતા ગર્વ થાય છે કે ભારતના ખ્યાતિ-પ્રાપ્ત શિલ્પી શ્રી રાજેશભાઈ સોમપુરા, શ્રી મહેશભાઈ દોશી કે જેઓ સાયરિલ સ્વીટ લિમિટેડ (Cyrill Sweett Ltd.)ના અગ્રણી તથા પ્રસ્તુત પ્રોજેક્ટની અગ્રણી માર્ગદર્શક છે, શ્રી માર્ક હર્બર્ટ (એન્સેલ એંડ બેઇલીના યુ. કે. ખાતેના આર્કિટેક્ટ), શ્રી ડેવિડ વારેહમ (સ્ટ્રક્ટરલ એંજિનિયર અને યુ. કે.ના સ્થાનીય કૉન્ટ્રાક્ટર - લૉજ એંડ કંપની) અમે બધાંયે સાથે મળીને આપણા સ્વપ્રને સાકાર કર્યું અને એ પણ વર્લ્ડ રેકૉર્ડ સમય-મર્યાદામાં !
છેલ્લા બે વર્ષોના સમય ગાળા દરમિયાન મારે ઘેરથી દૂર ભારતમાં લાંબો સમય રહેવાનું થયું. એ માટે મારી પત્ની તથા પરિવાર પ્રત્યે મારી હાર્દિક ધન્યવાદની લાગણી વ્યક્ત કરું છું. એમણે પોતાને માટે મારો ઓછામાં ઓછું સમય માંગીને સહયોગ અને સહકાર દ્વારા આ કાર્યને સંભવ બનાવ્યું.
ઓશવાલ સેન્ટરના આપણા બે કર્મઠ કાર્યકર્તાઓ શ્રી મનુભાઈ રાયશી શાહ તથા શ્રી સોભાગભાઈ નરશી શાહને હું વિશેષ ધન્યવાદ આપું છું. એમનો સાથ, સહકાર અને સહયોગ ખરેખર અવિસ્મરણીય રહ્યો છે. એ વગેરે આ કાર્ય અમારા માટે ચોક્કસ વધારે કપરું થયું હોત.
મેં ઉપર જેમનો ઉલ્લેખ કરેલ છે એ સિવાય પણ અનેક નામી-અનામી મહાનુભાવો તથા કાર્યકારી સમિતિના સદસ્યોનો ભરપૂર સહયોગ મળેલ છે. એરિયા કમિટી અને સ્વયંસેવકો કે જેમણે બધાંજ કાર્યક્રમો તથા આયોજનોને સફળતા સુધી પહોંચાડ્યા છે, તે તમામને ધન્યવાદ.
જય ઓશવાલ,
ધીરજલાલ દેવરાજ કરાણીયા ચેરમેન, દેરાસર પ્રોજેક્ટ સબ-કમિટી