________________
શ્રી સિધ્ધચક્ર યંત્રના આરાધકને આ મહામંત્રની સિધ્ધિથી વાંછિત ફળ પ્રાપ્ત થાય છે. ધનની ઈચ્છાવાળાને ધન, પદની ઈચ્છાવાળાને પદ, સ્ત્રીની ઈચ્છાવાળાને સ્ત્રી, પુત્રની ઈચ્છાવાળાને પુત્ર, સૌભાગ્યની ઈચ્છાવાળાને સૌભાગ્ય, ગૌરવની ઈચ્છાવાળાને ગૌરવ, રાજ્યની ઈચ્છાવાળાને રાજ્ય પ્રાપ્ત થાય છે. રૂપ-સૌભાગ્ય કે ઉચ્ચપદવી આદિ પણ આનાથી પ્રાપ્ત થાય છે.
વિષમ જ્વર રોગો શમી જાય છે. આ યંત્રની આરાધનાથી સ્ત્રીઓને વિશેષપણે દાસીપણું આદિ વંધ્યાદિ દોષો, બાળ વૈધવ્ય, કુરૂપપણું પ્રાપ્ત થતાં નથી. જે સિદ્ધિને પામ્યા છે, પામે છે અને પામશે તે આ પદની નિરંતર આરાધનાથી જ.
પ્રથમ અરિહંત પદની આરાધનાથી દેવપાલ મનુષ્યોમાં અને કાર્તિક વગેરે દેવોમાં ઈચ્છિત ફળને પામ્યા. બીજા પદની આરાધનાથી પાંચ પાંડવો કુત્તા માતા સાથે સિદ્ધિપદને પામ્યા. ત્રીજા આચાર્ય પદની આરાધનાથી નાસ્તિકને સપ્ત પાપો કરનાર પ્રદેશ રાજા પણ દેવગતિને પામ્યા. ચોથા ઉપાધ્યાય પદની આરાધના કરી શ્રીસિંહગિરિના શિષ્યો ઉચ્ચપદને પામ્યા. પાંચમા મુનિપદની આરાધના કરી રોહિણી સુખને પામી અને વિરાધના કરી રૂક્મિણિ દુઃખને પામી. છઠ્ઠા સમ્યક દર્શન પદની આરાધનાથી શ્રીકૃષ્ણ અને શ્રેણીકે તીર્થકર નામ કર્મ બાંધ્યું. સાતમા સમ્યક જ્ઞાન પદની આરાધના કરી શીલમતી મહાબુધ્ધિને પામી. આઠમા ચારિત્ર પદની આરાધના કરી જંબુકુમાર શિવપદ ને પામ્યા. નવમા તપપદની આરાધના કરી વીરમતી મહાસતી સિદ્ધિ પદને પામી. બહુ કહેવાથી શું? સિધ્ધચક્રનું માહાભ્ય કહેતાં આયુષ્ય પણ પૂર્ણ થઈ જાય. આ આરાધના કરનાર તીર્થકર નામકર્મ પણ ઉપાર્જન કરે છે.