________________
અંતરના ઉગાર....! પગ અને કપડા બગાડતી માટી જ્યારે ચડી જાય છે, કુંભારના હાથમાં ત્યારે તે મજાના ઘટ રૂપે પરાવર્તન પામે છે, અને ભરાય છે શુદ્ધ જળ તેમાં, ત્યારે વૈશાખ મહિનાના ધોમ ધખ્યા તાપમાં અનેકોની તૃષા છીપાવી ““હાશ'' તૃપ્તિની અનુભૂતિ કરાવે છે...!
માથું ફોડતો પત્થર જ્યારે ચડી જાય છે, શિલ્પીનાં હાથમાં ત્યારે તે નયનરમ્ય પ્રતિમા રૂપે પ્રગટ થઈને હજારો આત્માઓને પોતાના શુદ્ધ સ્વરૂપનાં દર્શનની ઝાંખી કરાવે છે...!
ટી.વી.- કેબલ દ્વારા એડવર્ટાઈઝીંગ અને દેખાદેખીના રવાડે પશ્ચિમીકરણ તરફ ધસી રહેલ સમાજની કુમળી કળી જેવી બાલિકા જ્યારે શિબિરનાં માધ્યમથી સદ્દગુરૂનાં સમ્પર્કમાં આવી જાય છે અને થાય છે જિનવાચનામૃતનું પાન, ત્યારે તે આર્યા ચન્દના, સતી સુલસા, અનુપમાદેવી કે ભામતીનાં સ્વરૂપે આ વિશ્વમાં અનોખો ઉજાસ ફેલાવે છે.
વિશ્વકલ્યાણકર જિનશાસનનાં સાતક્ષેત્રરૂપ સાત ઘડા ઉત્તરોત્તર એકબીજાને આધારે, એકબીજાની ઉપર રહેલા છે. ઉપર, ઉપરનાં ઘડાનો આધાર, નીચે નીચેનો ઘડો છે. તેમાં નીચેનો સાતમો ઘડો પોતાનું બેલેન્સ (કાબુ) ગુમાવે તો ઉપરનાં છ એ ઘડાની સલામતી જોખમાય છે, તેમ સાતક્ષેત્રમાં સૌથી છેલ્લે શ્રાવિકાક્ષેત્ર છે, જે છે એ ક્ષેત્રનો આધાર છે. સેંકડો વર્ષોથી શ્રાવિકાઓની પવિત્ર શક્તિએ જિનશાસનને તીર્થકર, ગણધરોથી માંડીને યાકીની મહત્તરાસ્નૂ હરિભદ્રસૂરી, કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરી, મહોપાધ્યાય યશોવિજયજી, પરદુ:ખભંજન વિક્રમાદિત્ય, પરમાઈતુ કુમારપાળ, છત્રપતિ શિવાજી, વસ્તુપાલ – તેજપાલ, રાણાપ્રતાપ, ભામાશા, ગાંધીજી જેવા અનંત અણમોલ નવ રત્નોની ભેટ આપી, અને આજે પણ સમાજને આપી રહી છે. સંસારના પ્રત્યેક ધર્મ, કુટુંબ, સમાજ, દેશ, રાષ્ટ્રની આબાદીના મૂળમાં નારીધન છે.
પણ અફસોસ, છેલ્લા કેટલાક વર્ષોથી દેખાદેખી અને જમાનાવાદના વાવંટોળ દ્વારા આ નારી-ધનનું ગૌરવ હણાઈ રહ્યાં છે, જે સંતો, સજ્જનો તથા સમાજનાં આગેવાનોના ધ્યાનમાં આવી રહ્યાં છે, અને તેથી જ ‘પાણી પહેલા બાંધો પાળ' ના ન્યાયે પૂ. સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં શિબિરોનું આયોજન થઈ રહ્યાં છે, એના સુંદર પરિણામોનો અનુભવ પણ બધાને થઈ રહ્યો છે.