________________
વિભાગ-૧
શાન સાધના ક્રિયાયોગ સાધનામાં પાયારૂપ (Base) આંતરજગતની યાત્રા કરવાની છે અને વિશિષ્ટ ધ્યાનમાં પ્રવેશ કરાવવાની અને પરમઆનંદ આપનારી, વિચારોને શાંત કરનારી, ડીપ્રેશન, હતાશા નિરાશાને દૂર કરનારી, શરીર અને મનને શાતા આપનારી ઉચ્ચતમ ક્રિયા એટલે “ચક્રઅનુસંધાન”. આ ક્રિયા અત્યંત સરળ અને સહુ કરી શકે એવી છે.
“ચક્ર અનુસંધાન” નો અર્થ “ચક્ર એટલે આપણા શરીરમાં આવેલ “યોગિક કેન્દ્ર", અનુસંધાન એટલે શોધવું, જાણકારી મેળવવી, એટલે કે આપણા શરીરમાં રહેલા “યોગિક કેન્દ્રો” – ચક્રોનાં સ્થાન શોધવા.
આજના વિજ્ઞાન અનુસાર આખુ વિશ્વ ગોળ ગોળ ફરે છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી વિગેરે ગોળ ગોળ ફરે છે. જૈન ધર્માનુસાર સૂર્ય, ચન્દ્ર, ગ્રહ નક્ષત્ર વિગેરે મેરૂપર્વતની ચારેબાજુ ગોળ ગોળ ફરે છે..! અરે વર્તમાન દુનિયામાં પણ બાળકો ચકડોળ, ફેરફુદરડી નૃત્ય, ગરબા, દાંડિયા-રાસમાં ગોળ ગોળ ઘૂમે છે. આ શરીર ગોળ ઘૂમવાથી આનંદની ઉર્જા ઉત્પન્ન થાય છે અને આનંદની અનુભૂતિ થાય છે પણ, આ શરીરમાં રહેલું મન જ એવું છે જે બેફામ હાઈસ્પીડમાં દિશાહીન ગમે તેમ દોડે છે, ભાગે છે, અથડાય છે, કૂટાય છે, ઘવાય છે, એને કારણે મન નિર્બળ બને છે, નિર્બળ મનને રોગ લાગે છે અને રોગનો ભોગ શરીર બને છે. એટલે માનસીક તનાવ હાઈ-લો બ્લડપ્રેશર, હાર્ટ-એટેક વિગેરે અનેક જાતની બિમારીઓ આવે છે.
નવરાત્રિમાં દિવાની ફરતે કાવ્યમય ભાષામાં સ્તુતિ કરતાં કરતાં ગોળ ફરવું. શરૂઆતમાં ઘરનાં કુટુંબમાં સદસ્યો સુધી મર્યાદિત હતું. ત્યારપછી સંઘશક્તિની ભાવના કેળવવાનાં ઉદેશ્યથી શેરી સુધી પહોચ્યું (શેરી-ગરબા) આગળ વધતા મધ્યચોકમાં માંડવી મુકીને સંઘબળ સદ્દબુદ્ધિની યાચના સમુહરૂપે કરતાં કરતા આ નવરાત્રિ વિકૃતરૂપે ભયંકર અનિષ્ટો સાથે મેદાનમાં આવી ગઈ. એની પવિત્રતા હણાઈ ગઈ. સાત્વિક આનંદ નષ્ટ થઈ ગયો.
૧ કી.મી. ચાલવા માટે આનાકાની કરનાર વ્યક્તિ નવરાત્રીમાં ગોળ ગોળ ફરીને સેંકડો કી.મી. અંતર કાપે છે, અને શરીર સાથે મન પણ ગોળ ગોળ ફરીને આનંદ મેળવે છે. શરીર થાકે છે પણ મન તો આનંદ માટે શરીરને બળજબરીથી ઘસડે છે, પરંતુ
શરીર સ્થિર રહે અને મન ગોળ ગોળ ફરે તો સાત્ત્વિક આનંદ મળે અને થાક ન લાગે..!”
આપણા યોગ શાસ્ત્રોમાં શરીરને સ્થિર રાખીને મનને જ ચક્ર અનુસંધાન (ગોળ ગોળ) ફેરવી એક બિંદુ ઉપર સ્થિર કરવાની પ્રારંભિક ક્રિયા ધ્યાનમાં ઉપયોગી થાય છે.