________________
પ્રાણીઓમાં સામ્ય અને વૈષમ્ય ૧૪૯
વત્તાઓછા પ્રમાણમાં જરૂર હોય એમ લાગે છે. નિદ્રા-સુસ્તી પણ દરેકમાં હોય છે. પ્રતિકૂળતામાં દુઃખ અને અનુકૂળતામાં સુખની લાગણી દરેકને થતી હોય તેમ જણાય છે. જ્ઞાનતંતુઓ દ્વારા જાણવા માટે પણ કંઈક શરીરમાં બહારનું સાધન (ઇંદ્રિય) દરેકને વત્તાઓછા પ્રમાણમાં હોય છે, નહીં તો પોતાના ખપનું અને અણખાનું, એવો વિભાગ પ્રાણી વિચારી જ ન શકે, પરંતુ ગમે તેવું મૂર્ખ સ્વભાવનું પ્રાણી કે જંતુ પણ પોતાનું તે વખત પૂરતું તો હિતાહિત સમજીને વર્તતું હોય તેમ જણાય છે.
પ્રાણીમાત્રમાં આત્મા છે, લાગણીઓ છે, શરીર છે, આહારની ઇચ્છા ને ચાલવાની શક્તિ પણ જોવામાં આવે છે. અળસિયાં, પોરા જેવાં મૂઢ પ્રાણીઓમાં પણ એ વસ્તુઓ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ.
તેથી આગળ વધીને તપાસ કરતાં પોતાનાથી બળવાનથી ભય પામતાં, તેમ જ નબળાને ભય પમાડતાં પણ જોઈએ છીએ. સજાતીય તરફ પ્રેમવૃત્તિ અને વૈરવૃત્તિ પણ જોઈ શકાય છે. દાખલા તરીકે, કરોળિયાથી માખી નાસે છે. ગોળ કે ખાંડ તરફ કીડીઓ આકર્ષાય છે. નજરે ચઢેલો માંકડ છુપાઈ છુપાઈને ચોરીથી ચાલે છે, એકાંતમાં ઝપાટાબંધ દોડે છે, ને છટકવા પ્રયત્ન કરે છે. વીંછી કાંટો ચઢાવીને હુમલો કરે છે. કૂતરો બીજા કૂતરાને દેખીને ઘૂરકે છે. કાગડો લુચ્ચાઈ કરે છે. હરણ ભોળપણમાં ફસાયા છે. કૂતરો માલિકને દેખી ગેલ કરે છે. આ રીતે દરેક પ્રાણીઓમાં કંઈ કંઈ વિચિત્ર લાગણીઓ ઓછેવત્તે અંશે રહેલી જોવામાં આવે છે.
પોપટ તથા થોડા વગેરેને સહેલાઈથી તાલીમ આપી શકાય છે. ભેંસ જેવા ગમાર પ્રાણીને તાલીમ આપવી મુશ્કેલ પડે છે. આ રીતે લાગણી વગેરેમાં ફેરફાર પણ હોય છે.
શરીરના આકારોમાં મનુષ્ય ને વાંદરાં મળતાં આવે છે. વાંદરાં ને વળી ખિસકોલ મળતાં આવે છે. ખિસકોલા ને ઉંદર મળતાં આવે છે. ઉંદર ને નોળિયા મળતાં આવે છે. વળી, ઘોડા ને ગધેડાં, ખચ્ચર કે ઝીબ્રા મળતાં આવે છે. ત્યારે બિલાડી ને વાઘ મળતાં આવે છે. વડવાંગડા ને ચામડચીડિયા મળતાં આવે છે. કારણ બંનેની પાંખો ચામડીની હોય છે. ત્યારે કાગડા, કબૂતર, હોલા, પોપટ, મોર વગેરેને પીંછાં અને પીંછાની પાંખો હોય છે.