________________
પાઠ ૧૧મો
અબાધાકાળ
એક તો, આપણે ત્રીજા પાઠમાં સ્થિતિબંધ વિશે શીખી ગયા છીએ, પરંતુ ક્યા કર્મનો સ્થિતિબંધ કેટલો થાય? તેનું લિસ્ટ સમજાવવાનું આગળ ઉપર રાખ્યું છે.
બીજું, બંધનકરણથી બંધાયેલી સ્થિતિમાં અપવર્તનાકરણથી ઘટાડો, તેમ જ ઉદ્વર્તનાકરણથી વધારો પણ થાય છે. એ પણ તમે શીખી ગયા છો. પરંતુ,
ધારો કે, એક માણસે હાસ્ય ઉત્પન્ન કરે તેવું કર્મ બાંધ્યું, અને તેની સ્થિતિનો તે વખતે નિયમ થઈ પણ ચૂક્યો. અને ધારો કે, સ્થિતિ લગભગ એક વર્ષની નક્કી થઈ ચૂકી. પરંતુ, તેનો શો અર્થ ?
તેનો અર્થ એ જ કે, એક વર્ષ પછી તે માણસને હસવું આવે. ને પછી ?
પછી તો મારા ધારવા પ્રમાણે, એક વર્ષની મુદત સુધી રહી શકે તેવા એ કર્મપ્રદેશો, મુદત પૂરી થતાં, તેમજ જે ફળ બતાવવાનું હતું તે બતાવ્યા પછી, આત્મા સાથે રહી જ કેમ શકે ? તેથી, તે બધી વર્ગણાઓ આત્માથી જુદી જ પડી જતી હોવી જોઈએ. મારી સમજમાં એમ આવે છે. પછી તો હોય, તે ખરું.
બરાબર, બરાબર. તમારું સમાધાન બરાબર છે.
પરંતુ હાસ્ય કર્મ બંધાયા પછી, માણસને હસવું આવ્યું, ત્યાં સુધી એ હાસ્યકર્મની દશા શી થઈ હશે ?