________________
પ્રસન્નતાનું પ્રોગ્રામિંગ
કોઈ અગત્યના કામે નીકળ્યા ત્યારે ખબર નહોતી કે આજે રસ્તામાં શું થવાનું છે? રિક્ષાનું પૈડું ખાબોચિયામાં થઈને ગયું અને પહેરેલાં કપડાં પર ગંદા પાણીના છાંટણા થયા. પ્લેન વસ્ત્રો પર અચાનક થયેલું ડાઈંગ અને પ્રિન્ટિંગ જોતાં મનમાં ચીરા પડી જાય છે. ઈસ્ત્રી ટાઈટ કપડોની અવદશા જોઈને મોઢા પર કરચલીઓ પડી જાય છે. કપડાંને ચોખ્ખું થતાં માંડ કલાક લાગશે, પણ કપડાંને થયેલી કાળા પાણીની સજાના આઘાતમાંથી મને કેટલીય વાર સુધી બહાર આવી શકતું નથી.
ઘાટી ઘરમાં પોતું મારીને હજી તો માંડ પરવાર્યો ત્યાં તો કોલબેલ વાગી. નીચે રમવા ગયેલો પિન્દુ બારણું ખોલતાં જ અંદર પ્રવેશ્યો ને દોડતો દોડતો પોતાના રૂમમાં ભરાઈ ગયો. ભીની ફરસ પર ગંદાં પગલાં પડ્યાં અને જાણે કે તેની જ કલર ઝેરોક્સ મનમાં ઊપસીઆવી. સહેજ ભીનું પોતું પાછું ફેરવતા માત્ર પંદર સેકન્ડમાં ઘરની લાદી પાછી ચમકતી થઈ જશે. પણ મન પરથી પેલાં પગલાં ભૂંસાતાં થોડો વધુ સમય લાગે છે.
ધોયેલાં કપડાં ગેલેરીની બહાર સૂકવેલાં હતાં ત્યારે જ ઉપરવાળાએ પોતાની ગેલેરીની પાળી અને બારી સાફ કરવા ઝાડું ફેરવ્યું. કચરો નીચે પડ્યો. ભીનાં કપડાંએ પ્રેમથી તેને અપનાવી લીધો પણ એટલા પ્રેમથી આપણે તેને અપનાવી શકતા નથી. કારણ કે આપણે ભીના નથી. ઉપરના માળવાળાએ કરેલી સફાઈ (!) જોઈને આપણો ઉપરનો માળ ભારે ઉકળાટ અનુભવે છે. ગેલેરીમાંથી વાંકા વળીને ઉપર તરફ જોઈએ છીએ. જો કોઈ હાથ લાગી જાય તો પણ કોઈ દેખાતું
-------– મનનો મેડિકલેઈમ (૯૪)