________________
આપણે ત્યાં સ્વાધ્યાય અને સર્વાંચનને અત્યંતર તપનો દરજ્જો અપાયો છે. તેના પરથી તેનો મહિમા સમજી શકાય છે. પથારીપરવશતા વખતે જ્યારે બીજા બધા પ્રકારના તપ પ્રયોગો ખોરંભે ચડે ત્યારે સ્વાધ્યાયનો રસ એવી સંજીવની છે કે તેના આધારે માણસ ટકી રહે છે. આમ સ્વાધ્યાય પણ મનઃસ્વાથ્ય અંગેની પૂર્વતૈયારીરૂપ છે.
ધર્મશાસને પ્રરૂપેલ પ્રત્યેક યોગ એ આરાધક ભાવની વૃદ્ધિ કરવા દ્વારા મોક્ષમાર્ગે આગળ ધપી રહેલા સાધકની કાર્યવાહીને વેગ આપે છે. આ દૃષ્ટિએ ધર્મશાસન એક આધ્યાત્મિક મેનેજમેન્ટ કોર્સ છે.
બીજી બાજુ, સ્વભાવથી કે કર્મથી, નિયતિના બળથી કે કાળના પ્રભાવે અથવા અવળા પુરુષાર્થથી કોઈ વિષમતા સર્જાય તો તેવા સમયે મનની સમાધિને અખંડિત કઈ રીતે રાખવી? જેના પર જ બધા પરિણામનો મદાર છે તેવા સમાધિના આ મિનારાને ધરાશાયી થતાં શી રીતે રોકવો? તેની સંભાળ પણ આ જ તારક યોગો લે છે. આ રીતે જોતાં ધર્મશાસન એ ખરા અર્થમાં એક અદ્ભુત કક્ષાનો ક્રાઈસિસ મૅનેજમેન્ટનો કોર્સ છે.
----– મનનો મેડિકલેઈમ (૫૪)–