________________
પણ એક આશ્વાસન છે ને! માંદગી વખતે જે દુઃખ ભોગવાય છે તેટલું કર્મનું દેવું ચૂકતે થયું. માંદગીને આ રીતે વ્યાવસાયિક અભિગમથી જોનારાને માંદગીમાં પણ કમાણીનાં દર્શન થાય છે.
શુભ કર્મનો ઉદય સુખ સગવડને સાહ્યબી લાવી આપે છે. જ્યારે અશુભ કર્મનો ઉદય કષ્ટ અને પીડા લાવી આપે છે. એક રીતે કહી શકાય કે શુભકર્મ તો ઈન્ટીરિયર ડેકોરેટર છે, જે જીવનઘરની સુરમ્ય સજાવટ કરી આપે છે. જ્યારે અશુભ કર્મ તો ઘાટી જેવા છે, જે જીવનઘરનો કચરો સાફ કરવા માટે આવે છે.
ઈન્ટીરિયર ડેકોરેટરની પર્સનાલિટી આગળ ઘાટીની કોઈ પર્સનાલિટી હોતી નથી. છતાં અનિવાર્ય આગમન કોનું? ઘરમાં સજાવટ ઓછી હોય તે હજી ચાલે, પણ કચરાની જમાવટ થાય તે તો ન જ ચાલે. આ વિચારણા દુઃખને સહન કરવાની અનિવાર્યતા સમજાવે છે.
જ્યારે સખત શરદી થઈ હોય. નાકમાં સળેખમ ને માથું ભારેખમ હોય. શ્વાસ લેવામાં તકલીફ પડે એ રીતે બધું જામ થયું હોય ત્યારે માણસ નાસ લે છે. ગરમ વરાળનો ઉપયોગ કરતી વખતે ગરમ ધાબળાની અંદર મૂંઝારો ને બફારો બંને વધે છે પણ નાસ લેવાની ના કોણ પાડે?
| મનમાં એક વિચાર બેઠો છે કે “થોડો સમય આ સહન કરવું પડે પણ તેનાથી અંદર ઘણી હળવાશ થશે. કફ છૂટો પડતાં ફેફસામાં, ગળામાં, નાકમાં અને માથામાં બધે મોકળાશ થશે. પછી શ્વાસોશ્વાસ પણ રિધમ પ્રમાણે ચાલશે.” આ વિચારણાથી નાસની પીડા ગૌણ બને છે અને નાસનું પરિણામ મુખ્ય બને છે. તબીયત કથળતા આવી વિધેયાત્મક શૈલી વિકસાવવી જોઈએ. કર્મોથી ભારે થયેલ આત્મદ્રવ્યને હળવો ફૂલ કરવાના ઈરાદાથી નાદુરસ્તી' નામનો નાસ લેતાં પછી અકળામણ શેની થાય!
---
- મનનો મેડિકલેઈમ (૩૨)