________________
શેરબજારની સિસ્મોલોજી સ્વરાજના લડવૈયાના જીવનની એક ઘટના તાજી થાય છે. એ વખત હતો જ્યારે પૂનામાં પ્લેગ ફાટી નીકળેલો. સ્મશાનોમાં લાશોના ખડકલા થતા હતા. હજી એકને વળાવીને આવે ત્યાં માણસને બીજીવાર જવાનું ઊભું હોય એવી સ્થિતિ
હતી.
લોકમાન્ય તિલકનો દીકરો આ સપાટામાં ઝડપાયો. સાંજ સુધીમાં જ ખેલ ખતમ થઈ ગયો. ગંભીર અને સ્વસ્થ ચહેરે દીકરાને વળાવી આવેલા તિલકને તે વખતે કોઈકે પૂછેલું : “આ વખતે તમે કેવી લાગણી અનુભવો છો ?” ઝિંદાદિલી માટે જાણીતા તિલકે જવાબ આપ્યો : “નગરમાં હોળી ઉજવવાની હોય ત્યારે ઘરે-ઘરેથી છાણાં-લાકડાં એકઠાં કરાય છે. પ્લેગની હોળીમાં મારે પણ એક છાણું આપવાનું આવ્યું ! આપી દીધું ! આખા નગરનો પ્રસંગ હતો ને !”
જે નાના માણસોએ મોટા ઝટકા ખાધા હશે તેમને માટે આ શબ્દો ઊંચો આદર્શ પૂરો પાડે છે. આખા દેશમાં હોળી ઊજવાઈ. દરેકે છાણાં-લાકડાં આપવાના હતાં. બસ, આપી દીધાં!
તિલકે સ્વરાજને પોતાનો જન્મસિદ્ધ અધિકાર ગણાવ્યો
હતો,
સ્વસ્થતા એ તો સહનો જન્મસિદ્ધ અધિકાર છે. એ અધિકારને જાળવી રાખવામાં સહુને સફળતા મળે ! સહુની સબુદ્ધિ વિસ્તાર પામે ! સહ સંતોષવૃત્તિના વૈભવને પામે ! સહુની પ્રસન્નતા અખંડ સૌભાગ્યવતી રહે !