________________
શેરબજારની સિરોલોજી
તેજીનો ઝગમગાટ જોઈને અગાઉ પણ લોકો આ પ્રવાહમાં ભળતા હતા.
હર્ષદ મહેતા વખતની તેજી પછી રાતોરાત ઘણા નરસિંહ મહેતા થઈ ગયેલા. કેતન પારેખ વખતે ફરી પાછા તેજીલા આંકડાની રૂપેરી કોર જોઈને લોકો અંદર ગયા. પછી અચાનક ખ્યાલ આવ્યો કે આ રૂપેરી કોર એટલે સિલ્વર લાઈન !
આ બધા અનુભવો ભુલાઈ ગયા અને છેલ્લાં વર્ષોમાં ફરી ભભૂકેલી તેજીમાં લોકો ધસી ગયા. આ વખતની તેજી પ્રમાણમાં વધુ ભડકતી, અગાઉ કરતાં અનેકગણો વધુ વ્યાપ ધરાવતી હતી. કારણ હવે ગામેગામ અને ગલીએ ગલીએ બોલ્ટ ખૂલી ગયા છે. તેમાં ઠરેલ, અનુભવી, જાણકાર, દિર્ઘદૃષ્ટિવાળા રોકાણકારો જૂજ હશે. મોટાભાગનો વર્ગ
ઓછી મૂડીએ માત્ર માર્જિન ભરી મોટા મોટા સટ્ટા કરનારાઓનો છે, જે દિવસો નહીં પણ માત્ર કલાકો કે ગણતરીની મિનિટોમાં જ થોડા રૂપિયાની વધઘટે સોદા સરખા કરીને કમાણીની થ્રિલ અનુભવે છે. ઓછી સૂઝ, નાની મૂડી, તગડી ઇચ્છા ને રોકડું સાહસ ! અને યા...હુ !
આ બજારના પગથિયે પગથિયે પાયમાલ થયેલાના પાળિયા ખાંભી છે. છતાં દીવાની જ્યોતિમાં પતંગિયા પડતા રહે તેમ નવા નવા લોકો અને સમયાંતરે ફરી એના એ જ લોકો પણ આમાં જોડાય છે. એકાદ મોટો ઝટકો આવતા મહિનાઓથી ચહેરા પર રહેલું સ્મિત અચાનક સુકાઈ જાય છે. ખાવું અને સૂવું હરામ થઈ જાય છે, મોટું બતાવવું ભારે થઈ જાય છે.
-કોમ