________________
“વસંતતિલકા” પ્રસ્તુત ભક્તામર સ્તોત્રની રચના વસંતતિલકા છંદમાં કરવામાં આવી છે. શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રની રચના પણ આ જ છંદમાં છે. જૈન સ્તોત્રમાં “સંસાર દાવાનલ’ સ્તુતિની બીજી ગાથા અને “પુફખર વર દીવડ્રે' સૂત્રની ત્રીજી ગાથામાં છંદનો ઉપયોગ કરવામાં આવ્યો છે. “અજિત-શાંતિ' જેવા પ્રાકૃત સૂત્રોમાં આ છંદનો ઉપયોગ દેખાતો નથી.
આ છંદની બીજી વિશેષતા એ છે કે તેના કુલ ચૌદ અક્ષરોમાં સાત અક્ષરો ગુરુ છે; તો સાત અક્ષરો લઘુ છે. વિદ્વાનો માને છે કે જેમ છંદમાં લઘુ-ગુરુની સમતા છે, તેમ આ છંદમાં બનેલ કાવ્ય પણ ખૂબ જ જલ્દી સમતાભાવમાં લઈ જઈ શકે છે. | પ્રસ્તુત ચિત્ર ભરતમુનિ રચિત નાટ્ય શાસ્ત્રના વર્ણન પરથી, બનાવવમાં આવ્યું છે. છંદોના ચિત્રોનો ઉલ્લેખ આ ગ્રંથ સિવાય ક્યાંય જોવામાં આવતો નથી અને અમારા અભ્યાસ પ્રમાણે ચિત્ર જગતમાં સૌથી પ્રથમ વાર જ વસંતતિલકાનું ચિત્ર રજુ કરવામાં આવે છે.
હેમંત-શિશિર-વસંત-ગ્રીષ્મ-વર્ષા અને શરદ આ છ ઋતુઓમાં “વસંત ઋતુ” અધિપતિનું સ્થાન ધરાવે છે. ક્યારેક વસંતઋતુને “ઋતુરાજ વસંત' કહેવાય છે, તો ઋતુઓને સ્ત્રી સમજવામાં આવે છે ત્યારે વસંતને ‘ઋતુરાણી' માનવામાં આવે છે. આ છંદ વસંતતિલકા છે એટલે વસંત માટે પણ અલંકાર જેવો છે. વસંતઋતુને પણ સુશોભિત કરનારો છે. વસંતતિલકા છંદની પ્રાસાદિકતા અદ્વિતીય છે. છંદનું વિધિવત્ ઉચ્ચારણ કરનારને હીંડોળો ચાલી રહ્યો હોય તેવો ભાસ થાય છે. આ છંદમાં નિબદ્ધ કાવ્ય લગભગ દરેક રાગોમાં સરળતાથી ગાઈ શકાય છે. લગભગ (૪૪) ચુમ્માનીશ જુદા જુદા શાસ્ત્રીય રાગમાં આ ભક્તામર ગવાયું છે. આમ, માનવ હૃદયમાં ઉત્પન્ન થતી ભક્તિ લહરીઓની અભિવ્યક્તિ માટે આ છંદ સર્વોત્તમ છે. એના ચૌદ અક્ષરને ચૌદ રાજલોકનું-ચૌદ ગુણ-સ્થાનકનું પ્રતીક સમજીને ચૌદ રાજલોકના અગ્રભાગ પર સાધકે જવાનું છે અને ચૌદ ગુણ સ્થાનકને પાર કરીને આત્મિક પરમાનંદની પ્રાપ્તિ કરવાની છે. આ છંદના સિંહોન્નતા મધુમાધવી ઉદ્ધર્ષિણી વિગેરે પણ નામો છે.