________________
રાજ દરબારનું વર્ણન
મયૂર અને બાણ નામના મહાન વિદ્વાન પંડિતોએ રાજાને પોતપોતાના ચમત્કારથી પ્રભાવિત કર્યા. મયૂર પંડિતે પોતાની બેનના શાપથી થયેલા કોઢ રોગને દૂર કરવા સૂર્યની સ્તુતિ કરી. છઠ્ઠો શ્લોક બનાવતાં જ સૂર્યદેવે પ્રત્યક્ષ થઈને વરદાન આપ્યું. કોઢ રોગ દૂર કર્યો. પોતાના જ સાળા મયૂર પંડિતનો ચમત્કાર પંડિત બાણ માટે સ્પર્ધાનો વિષય બન્યો. રાજા પાસે બાણે પ્રતિજ્ઞા કરી કે ‘“હું ચંડિકાદેવીનું સ્તવન કરીને માત્ર છઠ્ઠા અક્ષરથી જ ચમત્કાર કરીશ.'' બાણે પોતાના બંન્ને હાથ-પગ કાપી નાંખ્યા. સ્તોત્રના પ્રભાવથી હાથ-પગ ફરી નવા જેવા થયા અને ચંડિકાદેવીનું મંદિર ફરીને પોતાની સન્મુખ થઈ ગયું. રાજા
આ ચમત્કારથી ખુશ થયા. તે સમયે કેટલાંય પંડિતોએ કહ્યું, “જો શ્વેતામ્બર જૈનોમાં પણ આવા મંત્રનો પ્રભાવ ન હોય તો એમને આ દેશમાં રહેવા દેવા જોઈએ નહીં અને રાજ્યમાંથી બહાર હાંકી કાઢવા જોઈએ.’’ તે વખતે પૂ. માનતુંગાચાર્યને બોલાવી રાજાએ કહ્યું, “તમે પણ તમારા ભગવાનનો ચમત્કાર બતાવો.'' પૂજ્ય માનતુંગાચાર્ય મહારાજે કહ્યું, ‘‘રાગ-દ્વેષથી મુક્ત અમારા દેવો કોઈ ચમત્કાર કરતાં નથી, પણ તેમના સેવક દેવો વિશ્વને ચમત્કારી પ્રભાવ બતાવે છે''આમ કહીને માનતુંગસૂરીશ્વરજીએ (૪૪) ચુમ્માળીશ બેડીઓથી પોતાના શરીરને બંધાવી તે નગરના શ્રી આદીશ્વર ભગવાનના મંદિરના પાછળના ભાગમાં ઊભાં રહીને ‘‘ભકતામર’’ નામના નવા કાવ્યની રચના કરી. એક એક શ્લોક બોલતાં એક એક બેડી તૂટતાં ચુમ્માળીશ બેડીઓ તૂટી. સ્તોત્ર પૂર્ણ થયું અને શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર ફરીને માનતુંગસૂરિજી સન્મુખ થઈ ગયું. શ્રી જિનશાસનની મહાન
પ્રભાવના થઈ.