________________
૮૭૪
રત્નત્રયી ઉપાસના
બતાવવા તૈયાર થઈ, શેઠાણીઓ અને મોટા ઘરની વહુઓએ પણ કમ્મર કસી અને નગરની વચ્ચે કૂવો હતો ત્યાં સહુ આવવા લાગી. પ્રથમ રાજાની માનીતી રાણીએ ચાળણીને કાચા સૂતરથી બાંધીને કૂવામાં ઉતારી, પણ સૂતરના તાર તટ તટ તૂટી ગયા ને ચાળણી પાણીના તળીયે જઈને બેઠી. બિચારીની ભોઠપનો પાર રહ્યો નહિ. મોં છુપાવીને તે ચાલતી થઈ. પછી બીજી રાણી આવી. તેણે ચાળણીને કાચા સૂતરના તાંતણે બાંધીને પાણીમાં ઉતારી, તો તેના પણ તે જ હાલ થયા. એ બિચારી પણ વિલે મોઢે વિદાય થઈ, પછી ત્રીજી રાણી આવી, ચોથી રાણી આવી પણ કોઈ કૂવામાંથી ચાળણી ભરીને જળ કાઢી શક્યું નહિ. ત્યારબાદ શેઠાણીઓ અને મોટા ઘરની વહુઓએ પ્રયત્ન કર્યો, પણ તેમાં કોઈને ય સફળતા મળી નહિ. ખરેખર ! મન, વચન અને કાયાથી તો વિરલ સ્ત્રીઓ જ શિયળવ્રત પાળી શકે છે.
હજારો નરનારીઓ એક નજરે આ દશ્યને નિહાળી રહ્યા છે અને અંદર અંદર વાતો કરે છે: “ભારે ભઈ, અલ્યા ! ગામમાં કોઈ સતી નથી કે શું ? રાજાના ખેદનો પાર ન રહ્યો. તે વિચારવા લાગ્યોઃ “શું બધી રાણીઓ અસતી જ છે? મારાં અંતે ઉરમાં કોઈ સતી જ નથી ?
આખરે રાજાએ મંત્રીની સલાહથી નગરીમાં ઢંઢેરો પીટાવ્યો કે-જે કોઈ સ્ત્રી કાચા સૂતરના તાંતણે ચાળણી બાંધી કૂવામાંથી જળ કાઢી તેના છંટકાવ વડે નગરીનો દરવાજો ઉઘાડશે, તેને અડધું રાજ્ય અને ધનનો ભંડાર આપવામાં આવશે.”
આ પ્રમાણે રાજાની આજ્ઞાથી ચોરે ને ચૌટે, ગલીએ અને શેરીએ સર્વત્ર ઢંઢેરો પીટાવા લાગ્યો. પણ કોઈએ દરવાજો ઉઘાડવાની હામ ભીડી નહીં. એમ કરતાં સુભદ્રાનાં આંગણામાં ઢંઢેરો પીટવામાં આવ્યો, સુભદ્રાએ તે સાંભળ્યો એટલે તેને થયું કે - દરવાજો ઉઘાડું. પણ આ મહાન કાર્યમાં સાસુની સંમતિ મેળવવી જોઈએ. સુભદ્રાએ સાસુજીને નમસ્કાર કરી પૂછયું: સાસુજી ! આપની આજ્ઞા હોય તો નગરીનાં દ્વાર ઉઘાડું !'
સાસુ તો સાંભળતાં જ ત્રાડુકી ઉઠી જોઈ તું હવે ! તારાં ચરિત્ર કંઈ મારાથી અજાણ્યા નથી. તું વળી શું ઉઘાડતી હતી ? શું મોં લઈને પૂછવા આવી છે ? જા જા મોં ઢાંક.”
ફરજ સમજીને કાર્ય કરવાથી “હકનો’ વિચાર લગભગ નહિ આવે.