________________
પરમ પૂજ્ય આચાર્યદેવ ભાનુચંદ્રસૂરી મ. સા. નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
જન્મ દિન : વિ. સંવત ૧૯૦૦ કા. સુ. ૧૧ સ્વર્ગારોહણદિન : વિ. સંવત ૨૦૪૦ વૈ. વદ ૧૪
સૌરાષ્ટ્રની સાધુસંતોની ભૂમિ પર ભાવવાહી ભાવનગર શહેર છે, તેમાં જૈન-જૈનેતરોની પચરંગી વસ્તી છે. અહીં એક ધર્મનિષ્ઠ દંપતી રહે ઉમિયાશંકર અને ગિરીજાબહેન. ઉમિયાશંકર બંદર પર ધંધો કરે; પણ નસીબજોગે તેમને ભાવનગર છોડી પરદેશ જવું પડ્યું; ગિરીજાબહેન પિયર પાલીતાણા આવ્યા, ત્યાં તેમને સં. ૧૯૭૦ના કારતક સુદ ૧૧ - દેવઉઠી એકાદશીને દિવસે પુત્રરત્નનો જન્મ થયો. પુત્રનું નામ દુર્ગાશંકર પાડ્યું. દુર્ગાશંકરે સાત ગુજરાતી ધોરણનો અભ્યાસ કર્યો; પરંતુ પિતાની સ્થિતિ નબળી હોવાથી તે અમદાવાદ આવ્યા. ત્યાં શામળાની પોળના વકીલ ગુમાસ્તા ડાહ્યાભાઈની સાથે રહ્યા. ડાહ્યાભાઈ ધાર્મિક કાર્યો માટે અવારનવાર લવારની પોળના ઉપાશ્રયે જતા, તેની સાથે દુર્ગાશંકર પણ જતા ત્યાં તે વખતે પ.પૂ. શાંતમૂર્તિ આ . શ્રી વિજય નીતિસૂરીશ્વરજી મ.સા. બિરાજમાન હતા. તેઓશ્રી દુર્ગાશંકરના લલાટના લેખ પામી ગયા. ધીમે ધીમે પં. શ્રી દાનવિજયજી મ.સા. અને અન્ય મુનિવરો આ યુવાનને ધાર્મિક શિક્ષણ આપવા લાગ્યા. એમ કરતાં દુર્ગાશંકર પૂ. પં. શ્રી તિલકવિજયજી મ.સા. સાથે વિહાર કરતાં લુણાવાડા આવ્યા. દરમ્યાન દુર્ગાશંકરની દીક્ષા લેવાની ભાવના દૃઢ થઈ ગઇ હતી, લુણાવાડા સંઘની વિનંતી થઈ અને સં. ૧૯૮૭ના પ્રથમ અષાઢ વદ બીજના શુભદિને ૫.પૂ. શ્રી શાંતિવિજયજી મ.સા.ના વરદ્ હસ્તે દીક્ષા થઈ. દુર્ગાશંકરને ‘મુનિ શ્રી ભાનુવિજયજી' નામે પં. તિલકવિજયજી મ.સા.ના શિષ્ય તરીકે જાહેર કર્યા. આસો માસમાં વડી દીક્ષાના જોગ કરાવી, સં. ૧૯૮૮ના કા.વ. ૨ના દિને વડી દીક્ષા આપી.