________________
પરાયા ગુણદોષ જોવામાં જ્યારે બેચેની લાગશે ત્યારે આ આદત છૂટી શકે. પરાયા ગુણદોષ જોવાની, બોલવાની ગંદી ટેવ પડી ગઈ છે, જેથી દૃષ્ટિ મધ્યસ્થ થઈ જ શકતી નથી. વગર કારણે મન કોઈનું પક્ષપાતી અને કોઈનું કટ્ટર વિરોધી બની બેસે છે. કોઈનો અનુરાગી તો કોઈનો દ્વેષી ! આવા લોકો પ્રાયઃ એ પણ નથી સમજી શકતા કે તેઓ ગંભીર ભૂલ કરી રહ્યા છે. તેઓ તો ગુણદોષ જોનાર મનને પંપાળ્યે રાખે છે અને વિધવિધ યુક્તિઓથી એને પરિપુષ્ટ કરતા રહે છે.
આ રીતે અસત્ તત્ત્વોનો આગ્રહ પણ બીજાંના ગુણદોષ જોવા માટે નિરંતર પ્રેરિત કરે છે. આપણી સ્થૂળ બુદ્ધિની સમજમાં આ ન આવવાને કારણે એ મોક્ષને પણ ગુણદોષની દૃષ્ટિથી જુએ છે. પરિણામ શું આવે છે ? એ રાગદ્વેષથી ગ્રસિત થઈ જાય છે. આ સર્વ વિષમતાઓથી મુક્ત થવાનો એક રાજમાર્ગ છે... પોતાના અવિકારી આત્મસ્વરૂપનું ધ્યાન ધરો ઃ
સદૈવ આત્મભાવમાં તન્મય થવું અને પંચાયતને તિલાંજલિ આપી દેવી. ‘સ્વ’ પ્રત્યે એકાગ્રચિત્ત થયું. જ્યાં સુધી પરનો વિચાર દિલ-દિમાગમાં રાગદ્વેષની હોળી સળગાવતો હોય, ત્યાં સુધી ‘સ્વ’માં લીન થવું એ કલ્યાણકારી છે.
‘નિશ્ચયનય’થી આત્મા નિર્વિકાર, નિર્મોહ, વીતરાગ અને ચૈતન્યસ્વરૂપ છે. પરંતુ એને જોનારની દૃષ્ટિમાં ક્રોધાદિ વિકારોનો રોગ હોય છે. એટલા માટે ક્રોધાદિ વિકારોથી યુક્ત, અવિવેકી દૃષ્ટિને કારણે એને આત્મામાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ મત્સરાદિ દોષ દેખાય છે અને તે બોલતો રહે છે કે “આત્મા તો ક્રોધી, કામી.... વિકારી છે.’
નિશ્ચયનય આપણને આપણા આત્માના મૂળસ્વરૂપનું વાસ્તવિક દર્શન કરાવે છે. કર્મોની જુલ્મી સત્તા નીચે દબાયેલા-કચડાયેલા જીવો એના દ્વારા લાદવામાં આવેલ સ્વરૂપને જ પોતાનું વાસ્તવિક સ્વરૂપ સમજી બેઠા છે. પરિણામસ્વરૂપ દીનતા, હીનતા અને પરાધીનતાની ભાવના એમના રોમેરોમમાં વસી ગઈ છે.
પરમ ઉપકારી તીર્થંકર ભગવંત કહે છે ઃ ‘જીવાત્માઓ ! આ તમારું વાસ્તવિક સ્વરૂપ નથી. તમે તમારી રીતે - મૂળ સ્વરૂપમાં તો શુદ્ધ છો, બુદ્ધ છો, નિરંજન નિરાકાર છો ! અક્ષય અને અવ્યય છો ! અજરામર છો. તમે તમારા મૂળરૂપને તો સમજો !’
‘અધ્યાત્મસારમાં કહ્યું છે -
आत्मज्ञानफलं ध्यानमात्मज्ञानं च मुक्तिदम् । आत्मज्ञानाय तन्नित्यं यत्नः कार्यो महात्मना ॥
૨૮૮
શાન્તસુધારસ : ભાગ ૩