________________
૬૬
અમૃતવેલની સઝાય નિત્યપિંડ, આ પણ ન કલ્પે. આવા પ્રકારના ઉત્તરગુણોના પણ જેઓ ભંડાર છે. તેઓની સુંદર જે આત્મસાધના સાધવાની સાધુતા છે તે ગુણની હું અનુમોદના કરું છું. આ મુનિ ભગવંતો પણ પંચમહાવ્રતના, પાંચ સમિતિના, ત્રણ ગુપ્તિના અને પંચાચારના પાલનહાર હોય છે. સાંસારિક ભાવોના ત્યાગી હોય છે. કોઈપણ પ્રકારની સાંસારિક વાતોમાં ક્યાંય જોડાતા નથી. સંવેગ, નિર્વેદ અને વૈરાગ્યની ધારાથી જળહળતા ઉલ્લાસમાન પરિણામો હોય છે. સ્વાધ્યાયની ગોષ્ઠીમાં વર્તતા એવા તે મુનિઓ ગયેલા કાલને પણ જાણતા નથી.
તપ, સેવા, વૈયાવચ્ચ, વિનય, સ્વાધ્યાય અને વિવેક આદિ ગુણોથી ભરેલું તેમનું પવિત્ર જીવન હોય છે. આવા પ્રકારના ગુણોથી યુક્ત થઈને સાધુતાને સાધનારા હોય છે. આ મુનિઓ શ્વેત વસ્ત્રધારી હોય છે. કારણ કે રંગીન વસ્ત્રો પહેરે તો રંગમાં આસક્તિ થાય અને નગ્ન રહે તો વિકારવાસના થાય. તે માટે શરીરના આચ્છાદાન પુરતું વસ્ત્ર પહેરે છે. અને તે પણ અલ્પ મૂલ્યવાળુ અને જીર્ણ, તેથી વસ્ત્ર હોવા છતાં પણ અચેલક કહેવાય છે. લબ્ધિધારી હોય તો કરપાત્રી હોય છે. પણ જો લબ્ધિધારી ન હોય તો કરપાત્રી હોતા નથી પણ ઓછી કિંમતવાળાં અને મોહ ન થાય તેવાં લાગડાનાં પાત્રવાળા હોવાથી પાત્રધારી કહેવાય છે.