________________
૧૪
અમૃતવેલની સજઝાય કરીને મરે છે. છેવટે એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. પણ મોહની પરવશતાથી આ અશુદ્ધ પરિણામ ઉપજે છે. આ અશુદ્ધ પરિણામ આપણા આત્માનું બગાડે છે. તે અશુદ્ધ પરિણામ આત્માની અધોગતિ કરાવવા માટે પાછળ પડેલ છે.
તેનાથી બચવા માટે શુદ્ધ પરિણામનું કારણ બને તેવાં ચાર શરણાં હે જીવ ! તું સ્વીકાર કર, જેમ સર્પ પાછળ પડ્યો હોય તો દોડીને વૃક્ષ ઉપર ચઢી જઈએ તો તે વૃક્ષનું શરણું બચાવે, કોઈ પોલીસ અથવા ગુંડાતત્ત્વ પાછળ પડેલ હોય તો કોઈ બલવાનના ઘરનું શરણું લઈએ તો બચી જઈએ, શરીરમાં કોઈ રોગ થયો હોય અને વૈદ્યનું શરણું લઈએ તો બચી જઈએ તેમ અશુદ્ધ પરિણામ આ આત્માની પાછળ પડેલ છે. તેનાથી બચવા માટે અને શુદ્ધ પરિણામ પ્રાપ્ત કરવા માટે અરિહંતાદિ ચારનું શરણ હે જીવ! તું સ્વીકાર. અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, સાધુભગવંત અને અરિહંત પરમાત્માએ બતાવેલ જૈનધર્મ આ ચાર શરણ લેવા લાયક પદાર્થો છે. આ ચારે શરણાં ઉત્તમ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે -
चत्तारि शरणं पवज्जामि, अरिहंते सरणं पवज्जामि सिद्धे सरणं पवज्जामि, साहु सरणं पवज्जामि, केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि ।