________________
અમૃતવેલની સજ્ઝાય
વાચના સાંભળવી. તે ગ્રન્થોના મર્મો જ એવા છે કે જે સાંસારિક સુખના રાગરૂપી વિષના દોષને તુરત જ ઉતારે છે. તથા દ્વેષ રૂપી રસની શેષમાત્રાને તો બાળી જ નાખે છે. પૂર્વમુનિ પુરુષોનાં બનાવેલાં શાસ્ત્રવચનો ખરેખર મહામંત્ર તુલ્ય છે. આ ગ્રન્થો જે વાંચે તેને જ તેની મહત્તા સમજાય.
જો જીવનમાં સંવેગ નિર્વેદ પરિણામ ન હોય, વૈરાગ્ય ન હોય, વિષયસુખ પ્રત્યેનો રાગ ઘટ્યો ન હોય, કષાયો ઉપરનો કાબુ આવ્યો ન હોય, તો ક્રિયામાત્ર કરવાથી ધર્મ થઈ જતો નથી. ધર્મ એ આત્મપરિણામ છે. આત્માના પરિણાની નિર્મળતા એ જ પારમાર્થિક ધર્મ છે. ક્રિયા, તપ, સ્વાધ્યાય, ચારિત્ર, ત્યાગ ઈત્યાદિ તો તેનાં નિમિત્તો છે. માટે હે જીવ ! તું તારી પરિણતિ સુધાર. પ્રવૃત્તિ તો પરિણતિ નિર્મળ બનવાથી આપોઆપ સુધરી જ જાય છે. પ્રવૃત્તિ સારી કરવામાં હે જીવ ! તને જેટલો રસ છે તેનાથી અનેકગણો રસ પરિણિત સારી બનાવવામાં કર. પ્રવૃત્તિ એ નિમિત્ત છે. તે જેટલી વધારે હોય તેટલું સારું છે. પણ માત્ર તેનાથી તું સંતોષી ન થા. વધારે પ્રમાણમાં નિર્જરા તો પરિણતિ સુધારવાથી થાય છે. માટે પરિણતિને બહુ નિર્મળ કર.
આવા પ્રકારની અમૃતની વેલડીની મીઠાશતુલ્ય આ શિખડી હે જીવ ! તું હૃદયમાં બરાબર ધારણ કર. બસ, આટલું જ કામ કરવાનું છે. જો આ કરીશ તો બેડો પાર. ॥૨૭॥