________________
અમૃતવેલની સજ્ઝાય
૯૩
આમ દેશિવરતિસંયમ બહુભેદવાળો છે. તથા સર્વવરિત સંયમના સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત નામવાળા પાંચ ભેદો છે. સંસારનો સર્વથા ત્યાગ કરીને આત્માને શમભાવમાં રાખવો તે સામાયિકચારિત્ર. આ રીતે શેષભેદોના અર્થ શાસ્ત્રોમાંથી જાણી લેવા. આ સંયમ નામનો બીજો ધર્મ છે.
તપ બે પ્રકારનો છે. બાહ્ય તપ અને અત્યંતર તપ. શરીરને તપાવે તે બાહ્ય તપ અને આત્માને તપાવે તે અભ્યન્તર તપ. આહારાદિ બાહ્ય વસ્તુઓનો જે ત્યાગ તે બાહ્ય તપ, વિષય કષાયોનો જે ત્યાગ તે અભ્યન્તર તપ. બાહ્ય તપના અનશન ઉણોદરી વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એમ છ ભેદ છે. તથા પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ આમ છ ભેદો અભ્યન્તર તપના છે. આમ અહિંસા, સંયમ અને તપ આ ત્રણે પ્રકારનો ધર્મ આ જીવનમાં લાવવા જેવો છે. જો આ ધર્મતત્ત્વ આવી જાય તો મુક્તિ પ્રાપ્ત થતાં વાર લાગતી નથી.
(૨) ઉપરોક્ત ત્રણ પ્રકારના ધર્મને જીવનમાં ધારણ કરવાથી આત્માના આત્મધનને ચોરી જનારા મોહરાજા રૂપી મોટા ચોરનું મારણ થાય છે. મોહરાજા એ સૌથી મોટો ચોર છે. કારણ કે શમભાવ નામના સામાયિકને તે ચોરી જાય છે.