________________
૫૪
બ્રહ્મા. સ્વામી શિવાનંદ સરસ્વતી-પીકેશ તમારા ચારિત્ર્ય કે સ્વભાવમાં તમે એકદમ ફેરફાર કરી નહીં શકો. માટે શરૂઆતમાં આમાંની થોડી એવી સૂચનાઓનો અમલ કરવાનો સંકલ્પ કરો, જેનાથી તમારા વર્તમાન સ્વભાવ અને ચારિત્ર્યમાં થોડો નિશ્ચિત સુધારો થશે. ક્રમે ક્રમે આ સાધના માટેનો સમય અને પ્રમાણ વધારતા જાઓ.
માંદગી કે સાંસારિક અડચણોને લીધે કે બીજા કોઈ અનિવાર્ય સંયોગોમાં તમે કદાચ ચોક્કસ સાધનાનો પૂરેપૂરો અમલ ન કરી શકો તો તેના બદલામાં પ્રભુનામસ્મરણ અથવા જ૫ જરૂર કરો. હરતાંફરતાં અને કામ કરતાં કરતાંયે પ્રભુનામસ્મરણ તો તમે જરૂર કરી શકો.
૧, આરોગ્ય સાધન શરીર એ ધર્મસાધનાનું પ્રથમ સાધન છે. મિતાહાર : ભૂખ હોય તે કરતાં ઓછું જમો. હળવો અને સાદો ખોરાક લો. ભોજનમાં શાક, ફળ, દૂધ, દહીં, અનાજ, કંદમૂળ, મેવો ઇત્યાદિ પદાર્થો પ્રમાણસર લો. ભગવાનને અર્પણ કર્યા પછી ભોજન કરો. રજોગુણ અને તમોગુણ વધારનાર પદાર્થોનો ત્યાગ કરો. મરચાં, મસાલા, આમલી જેવા રાજસિક પદાર્થોને વપરાશ છોડી દો અથવા કમ કરો. ચા, કૉફી, લસણ, ડુંગળી, તમાકુ, ભાંગ, સિગારેટ, પાન જેવા પદાર્થો શરીરને હાનિકારક હોઈ તે ત્યાગ કરવા લાયક છે. માંસમચ્છી અને દારૂ એ ઉગ્ર તામસિક અને ઘોર અનર્થરૂપ ચીજોનો સર્વથા ત્યાગ કરો.