________________
૫. સેવા ને આધ્યાત્મિક પ્રગતિ માટે વિચારશક્તિ
જેવી રીતે દુન્યવી વાતચીત અને ગપ્પાં મારવામાં નકામી શક્તિ વેડફાઈ જાય છે, તેવી જ રીતે નકામા વિચારોમાં પણ શક્તિનો દુરુપયોગ થાય છે.
માટે તમારે એકે નકામો વિચાર કરવો ન જોઈએ. ખોટા વિચારો કરવામાં તમારી શક્તિનો જરા પણ વ્યય કરવો જોઈએ નહિ.
બધી માનસિક શક્તિને જાળવી રાખો. તેને ઈશ્વરના ધ્યાન, બ્રહ્મચિંતન ને બ્રહ્મવિચારના ઉચ્ચ આધ્યાત્મિક કાર્યમાં વાળો. બધી સંકલ્પશક્તિને સાચવી રાખી તેનો ધ્યાન અને મનુષ્યજાતિને આવશ્યક સેવાકાર્યમાં ઉપયોગ કરો.
તમારા મનમાંથી બધા બિનઉપયોગી, નકામા કે દુષ્ટ વિચારોને હાંકી કાઢો. નકામા વિચારો તમારી આધ્યાત્મિક પ્રગતિને આડે આવે છે તે તમારા આત્માના વિકાસની આડે પડેલા પથ્થર સમાન છે.
જ્યારે તમારા મનમાં નકામા વિચારો ચાલતા હોય ત્યારે તમે તેટલા સમય માટે ઈશ્વરથી દૂર છો. તમારે ઈશ્વર સંબંધી વિચારોને જ મનમાં સ્થાન આપવું જોઈએ. જે વિચારો તમને મદદગાર કે ઉપયોગી થઈ શકે તેમ હોય તેવાને જ આવકારો.
ઉપયોગી વિચારો આધ્યાત્મિક વિકાસ અને પ્રગતિને માર્ગે આગળ વધવા માટે સીડીરૂપ છે. મનને જૂના ચીલે ચાલવા દો નહિ, નહિતર તે પોતાની જૂની ટેવો કદી છોડશે નહિ, હંમેશાં ડગલે ને પગલે સાવધાન રહો. ૬. શુભ વિચારો દ્વારા દુનિયાને સહાય કરો
સમાન ગુણશીલવાળા પરસ્પર એકબીજાને આકર્ષે છે. જો તમે ખરાબ વિચારને સેવશો, તો તે વિચાર બીજા બધા પ્રાકરના ખરાબ વિચારોને આકર્ષશે. તમારી પાસેથી બીજાઓને પણ તે વિચારો તમે આપો છો.
સંકલ્પ-વિચાર એ ગતિશીલ વસ્તુ છે. તે જીવતી જાગતી વિદ્યુતશક્તિ છે. સંકલ્પ પોતે જ એક વસ્તુ છે. તમે તમારા મનને એક ભવ્ય સંકલ્પના ચિંતનમાં રોકશો તો આ સંકલ્પ બીજાઓના શુભ સંકલ્પોને પણ તમારી પ્રત્યે આકર્ષશે. ઉપરાંત તમે તે શુભ સંકલ્પ બીજાને આપી શકશો.
તમારા અશુભ સંકલ્પોથી તમે દુનિયાને બગાડો છો, તમારા શુભ સંકલ્પોથી તમે દુનિયાને મદદ કરો છો.
૧૧૦