________________
સહિત જીવવું જોઈએ. તેણે કોઈ પ્રકારે બીજાને ઈજા કરવી નહિ, સાંસારિક સમૃદ્ધિની ઇચ્છા કરવી નહિ ને સંસારના વિષયો પ્રત્યે ઉદાસીનતા સેવવી જોઈએ. વળી, પોતાનાં કરેલાં કાર્યમાં અહંભાવ ન રાખતાં પૂર્વ કર્મનું ફળ ભોગવતાં નવાં કર્મ ન બધાય તેનું ધ્યાન રાખવું જોઈએ. બધા જીવો પ્રત્યેનું વલણ દયા, ક્ષમા ને ઉદારતાભર્યું હોવું જોઈએ.
સંતોષ, વિવેક, ઈશ્વર પ્રત્યેની ભક્તિ ને તેની ઇચ્છા અનુસાર સ્વાર્પણ, વૈરાગ્ય, કોઈ પાસેથી કોઈપણ વસ્તુ મેળવવાની લાલસાનો અભાવ, પ્રાર્થના, અંતરાત્માના વલણનું અનુસરણ, પોતાના આધ્યાત્મિક ને નૈતિક સિદ્ધાંતોમાં અચળ શ્રદ્ધા અને તેના સાચા મૂલ્યાંકનથી જીવન વધારે લાયક અને વધારે સુખી બને છે.
જો તમારે મુશ્કેલીઓ હોય તો પ્રથમ તમારે તેના કારણની તપાસ કરવી જોઈએ. ખરી મુશ્કેલી કારણ પ્રત્યે બેદરકારી સેવવાની છે. જો કારણને દૂર કરવામાં આવે તો મુશ્કેલીઓ ઓછી થાય છે અથવા માત્ર આકસ્મિક જ બને છે. જગત એ મહાન શાળા જેવું છે જેમાં જીવને પોતાનું ચારિત્ર્ય સુધારી વધારે સારા થવા માટે અનેક તકો આપવામાં આવે છે.
કોઈ મનુષ્ય જન્મથી સંપૂર્ણ હોતો નથી. દરેકમાં પોતાની જાતની સુધારણા માટે શક્યતાઓ રહેલી હોય છે. અડચણો અને મુશ્કેલીઓથી બીજાઓ પ્રત્યે પૂર્વગ્રહો બાંધવાને બદલે અને હૃદય તેમજ મનને સંકુચિત બનાવવાને બદલે મનુષ્ય વધારે સારો બનવો જોઈએ. હંમેશાં મહાન ને ઉમદા વિચારોનું સેવન કરો અને સંપૂર્ણતા મેળવો. - ગુરુની કૃપા હંમેશાં શિષ્ય પર વરસતી જ હોય છે, અને તે પણ સંપૂર્ણ રીતે અને વગર શરતે. પણ આ કૃપાનો યોગ્ય રીતે ઉપયોગ કરવો કે નહિ તે શિષ્યના પુરુષાર્થ, શ્રદ્ધા ને આત્મશુદ્ધિ પર આધાર રાખે છે. ગુરુ પોતાના શિષ્યોના હૃદયમાં રહે છે. કેટલાક આ વાતને જાણે છે ત્યારે બીજાને તેની ખબર હોતી નથી. પોતાના હૃદયમાં ગુરુની જીવતી જાગતી સ્મૃતિ એ શિષ્યની મોટામાં મોટી પૂંજી છે.