________________
શ્રી હીરવિજયસુરિરાસ
૩૨૭
છે. જે અમારિ-પડો વગડાવ્યો એમાં શાંતિચંદ્રનો મહિમા છે. શત્રુંજય અંગેનાં જે ફરમાન થયાં તેમાં ભાનુચંદ્રનો ઉપકાર છે. આમાં સાધુઓના ઉપદેશથી જે થયું તેનો યશ મને આપે છે. ઘણા શ્રાવક મને માનતા નથી એવું પણ બને. આમ હીરગુરુ માનને ગાળી નાખે છે અને એમનું જ્ઞાન પૂનમના ચંદ્ર જેવું નિર્મળ બને છે. સ્વપ્ન સાચું પડ્યું.
અમદાવાદમાં હીરગુરુ બિરાજમાન હતા ત્યારે એક શ્રાવકને સ્વપ્ન આવ્યું. તેણે આવીને તે હીરગુરુને કહ્યું, ‘ગુર્જરદેશનો રાજા થાન ઉપર બેસીને અહીં આવ્યો. તેણે માથા ઉપર છત્ર ધારણ કર્યું હતું.'
હીરગુરુએ એનો અર્થ પ્રકાશતાં કહ્યું“ગુજરાતમાં બીજા દેશનો રાજા ચઢી આવશે ખરો પણ તે સ્થિર નહીં રહે. કારણકે તે કૂતરાના વાહન ઉપર ચઢીને આવ્યો છે.” અનુક્રમે અમદાવાદ ઉપર મદફરશાહ ચડી આવ્યો. જ્યારે વાત અકબરશાહ પાસે પહોંચી ત્યારે ત્યાંથી ખાનખાના દોડી આવ્યો. પણ મોટું સૈન્ય જાણીને સ્થિર રહ્યો. તે વખતે કલ્યાણરાય તેને મળવા ગયો. તેણે કહ્યું, ‘તમે કેમ બીઓ છો ? બાવન હજાર પિંજારા મળ્યા છે. હું તમારી સાથે આવું ને હમણાં ગુજરાત પાછું લાવી આપું.” તે સાંભળી મીરજાખાન તૈયાર થઈ ગયો. રાજનગર (અમદાવાદ)માં આવ્યો. મદફરશાહ પણ સામો લડવા આવ્યો. મોટી લડાઈ થઈ. મદફરશાહ પોતે તલવાર લઈને લડ્યો. લડતાં લડતાં એની તલવાર ભાંગી ગઈ. સૈન્યમાં સંદેહ પડ્યો કે મદફરશાહ જીવે છે કે મરાયો. જ્યારે તે જોવામાં ન આવ્યો ત્યારે તેની સેનાનું જોર ઘટી ગયું. સૌ પલાયન કરી ગયા. મદફરખાન ભાગ્યો ને મીરજાખાનનો જયજયકાર થયો. આ વાત અકબરશાહ પાસે આવી. ત્યારે તેણે કહ્યું કે ચાર જણા બદનસીબ થયા. પહેલો બદનસીબ મહમુંદ થયો. ખુરાનદીનને ચાકરી માટે રાખ્યો ને તેણે મહમુંદને ગળે છરી મારી. બીજો બદનસીબ અતિમિતિખાન થયો. એણે ગુજરાતના બાદશાહનું માન ખોયું. ગુજરાત આપીને પોતાના વર્ગથી પાછો વળ્યો. ત્રીજો બદનસીબ કુતબદીનખાન થયો. અંતકાળે તેની બુદ્ધિ નાસી ગઈ. દુશ્મન મદફરખાનના વચનને એણે માન્યું જેને લઈને એ માનવગતિમાંથી જ ટળી ગયો. ચોથો બદનસીબ મદફરશાહ થયો. જે પોતે લડવા સૈન્યમાં ગયો. તે પોતે બચ્યો નહીં ને દામ, દુનિયા, દોલત બધું ખોયું. ગુજરાત મુગલના હાથમાં ગયું અને મદફરશાહ સાથ છોડી નાસી ગયો. પેલા શ્રાવકને આવેલું સ્વપ્ન અને હીરગુરુએ તેનો કહેલો સંકેતાર્થ સાચાં પડ્યાં. ગુરુઆજ્ઞાનું કડક પાલન
હીરગુરુની ગુરુભક્તિ અસાધારણ હતી. એક વાર ગચ્છપતિ વિજયદાનસૂરિએ કોઈક કારણે પત્ર લખીને હીરસૂરિને બોલાવ્યા. “તમે ઉતાવળે અહીં આવો. પાણી પણ રસ્તામાં પીજો' હીરગુર કાગળ વાંચીને તરત જ જવા તૈયાર થયા. પોતાને ચોમાસીનો છઠ હતો પણ તેનું પારણું કરવા પણ રોકાતા નથી. કહે બહાર પારણું કરીશું. હવે સહેજ પણ અહીં રોકાઈ રહું તો મારો આચાર રહે નહીં.” શ્રાવક-સાધુ બધાએ પારણા