________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૩૧૯
અને પુણ્ય-પાપની શ્રદ્ધા પણ જ્ઞાન વિના થતી નથી. જ્ઞાન વિના ધર્મ આરાધી શકાતો નથી, જ્ઞાન વિના ઊંચી પદવી પામી શકાતી નથી.
એ જ રીતે, લક્ષ્મી વિના આ સંસાર સૂનો છે. ભાઈ, બહેન કે પત્ની લક્ષ્મી વિના કોઈ માનતાં નથી. માટે સૌ પુણ્ય કરો અને લક્ષ્મી-સરસ્વતી બન્નેને પ્રાપ્ત કરો. અકુ સંઘવીને ઘરે બન્ને વસ્તુઓ હતી. હીરના શ્રાવકો ઘણા સુખી હતા. - બરહાનપુરમાં જીવરાજ, સંઘવી ઉદયકરણ અને ભોજરાજ, ઠક્કર સંઘજી, હાંસજી, ઠક્કર સંભૂજી, લાલજી, વીરદાસ, ઋષભદાસ, જીવરાજ વગેરે મુખ્ય હતા. માળવામાં ડામરશાહ થયો જેના ગુણ યાચકો ગાતા હતા. સુરતમાં ગોપી, સૂરજી, વોરા સૂરો, શાહ નાનજી, વડોદરામાં સોની પાસવીર અને પંચાયણ, નવાનગરમાં અબજી ભણસાલી અને જીવરાજ તથા દીવમાં પારેખ મેઘજી, અભેરાજ, મેઘ, પરીખ દામો, દોશી શિવરાજ, સવજી, શ્રાવિકા લાડકીબાઈ વગેરે પુણ્યકાર્ય કરતાં હતાં. આમ અનેક દેશ, પુર, નગરમાં હીરગુરુના શ્રાવકો હતા, જેમને દિલ્હીપતિ માન આપતો હતો અને જેમને ચરણે મંત્રી, સૂબા નમતા હતા. અમદાવાદમાં ગોખનો પ્રસંગ
જેમના પુણ્યનો પાર નહોતો અને જેમનો સાધુપંથ ખૂબ આકરો હતો તેઓ એક વાર અમદાવાદ, કાલુપુરમાં પધાર્યા. શ્રાવકોએ ભક્તિથી એક ગોખ તૈયાર કરાવ્યો. હીરગુરુ શ્રાવકોને પૂછે છે કે અહીં બેસીએ ? શ્રાવક કહે કે એમાં પૂછવાનું શું હોય ? તમારા માટે જ આ ગોખ બનાવ્યો છે. હીરગુરુ કહે કે અમારા માટે બનાવ્યો હોય તો અમારે બેસાય જ નહીં. એ આધાકર્મી થઈ ગયો. પછી વ્યાખ્યાન માટે બીજી પાટ મંડાવી. આમ તેઓ ઉત્કૃષ્ટ સાધુમાર્ગનું પાલન કરતા હતા. તે ગોખ ઉપર પછી અન્ય કોઈ જ બેઠા નહીં. આમ હીરગુરુના વચનને સૌએ માન્ય રાખ્યું. કોઈએ હીરગુરુની લાજ લોપી નહીં. આમ જૈન શાસન અખંડ દીપે છે. ભદૂઆ શ્રાવક
એક વાર અમદાવાદમાં વિમલહર્ષ વાચક બિરાજમાન હતા. ત્યારે ત્યાંનો ભદૂઓ શ્રાવક ચર્ચા કરતાં વિવેક ચૂકીને કાંઈક બોલ્યો અને પછી મનમાં પણ એને કાંઈ પશ્ચાત્તાપ થયો નહીં. એણે ખંભાત ખાતે હીરગુરુને પત્ર લખ્યો. પત્ર વાંચીને જગદ્ગુરુ ખિજાયા. સોમવિજયને બોલાવીને તેમને સંઘ બહારનો કાગળ લખવા જણાવે છે. કાગળ લખીને કાસદને તે આપતા હતા ત્યારે વિજયસેનસૂરિએ કાગળ પછીથી મોકલવા કહ્યું. પણ હીરગુરુએ તેમની વાત ન માનીને કાગળ મોકલી આપ્યો. પત્ર વાંચીને ભદૂઆને સંઘ બહાર કર્યો. કોઈ સાધુ ભદૂઆ શાહને ત્યાં વહોરવા જતા નથી. ત્યારે સકલ સંઘ એકઠો થયો. ખંભાત આવી હીરગુરુ સમક્ષ ક્ષમા માગી. સંઘ કહે, છોરુકછોરુ થાય પણ માબાપે સાંખી લેવું પડે !' શાહ ભદૂઆ પ્રતિ કૃપા કરવા ગચ્છપતિને વિનંતી થઈ. ભદૂઓ શાહ પણ પગે પડ્યો. મિચ્છામિ દુક્કડમ્ કહ્યા. હીરગુરુ કહે છે તમે સારા શ્રાવક છો. હૃદયમાં ધર્મવિચાર ધારણ કરજો. પછી શાહ ભદૂઆને સંઘમાં લીધો. બધા અમદાવાદ પાછા ફર્યા. વિમલહર્ષ વાચકને ખમાવ્યા.