________________
આત્મવિશુદ્ધિ * ૩૩
પ્રથમ શુદ્ધ વ્યવહારનું આલંબન લઈને પછી નિશ્ચયનો આશ્રય લઈને પામ્યા છે. આ ઠેકાણે એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે જેને પોતે વ્યવહાર માને છે તે વ્યવહાર શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં મદદગાર થાય છે કે નહિ? જો આત્મ સ્વરૂપ પ્રગટ કરવામાં મદદગાર કારણરૂપ હોય તો તે સાચો વ્યવહાર છે, તેમ ન હોય તો તે અશુદ્ધ વ્યવહાર હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય તેમ શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની ઉત્પત્તિ ન હોય. જેના વડે જિનેશ્વર ભગવાનના સિદ્ધાંતની અને તેમના આચરણની પ્રતીતિ થાય તેવા નિશ્ચય વ્યવહારનું વિધિપૂર્વક સેવન કરવું.
કોઈ વખતે નિશ્ચયનું આલંબન લેવું. તેમાં સ્થિરતા ન કરી શકાય તો તે વખતે વ્યવહારનું આલંબન લેવું. આ પ્રમાણે વિધિપૂર્વક પ્રભુની વાણીથી વિભૂષિત થઈ જીવન વ્યતિત કરવું.
જેટલાં વિધિ નિયોજીત કાર્યો છે તે સઘળાં વ્યવહારદૃષ્ટિએ છે. નિશ્ચયને અંતમાં સુનિશ્ચયપણે ધારણ કરી બહારથી વ્યવહારનાં કાર્યો કરતાં શુદ્ધ ચિત્તૂપની પ્રાપ્તિ નયોને આધીન જ્યાં સુધી જણાય ત્યાં સુધી નયોનો આદર કરવો. કેવળ શુદ્ધ ચિત્તૂપમાં કોઈ પણ સંકલ્પને અવકાશ કે પ્રવેશ નથી. તો પછી નય એટલે અપેક્ષા અથવા અભિપ્રાય એવો અર્થ થાય છે તે નયોનો પ્રવેશ પણ ત્યાં ક્યાંથી હોય? અર્થાત શુદ્ધ સ્વરૂપમાં તો કેવળ શાંતિમય સ્થિરતા જ હોય છે.