________________
શ્રી વીશસ્થાનક તપ
૧૨ બ્રહ્મચર્યપદ - બ્રહ્મ એટલે આત્મા, અને આત્મામાં અર્થાત્ તેના જ ગુણોમાં ચરવુ એનું નામ બ્રહ્મચર્ય છે. સ્વ-અને પરના શરીરથી ભોગજન્ય સુખ માણવાની વૃત્તિ ટળી જાય અને આત્મભાવમાં લીન રહેવાય એવા બ્રહ્મચર્ય પદની આરાધના પણ કલ્યાણકારી છે.
૧૩ ક્રિયાપદ - શુદ્ધ ક્રિયા - આચરણ વગર એકલું જ્ઞાન પાંગળુ લાગે છે, ‘જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષઃ’’ના જૈન સિદ્ધાન્તાનુસાર જ્ઞાનને અનુરૂપ આચરણ ક્રિયા બન્ને સાથે મળીને જ મોક્ષ અપાવે છે. પંચાચારની વિશુદ્ધ ક્રિયા પણ સ્વ-પર'માટે બોધિબીજનું નિમિત્ત બની નિર્જરા કરાવે છે.
૧૪ તપપદ - તપ આત્માનો ગુણ છે. આત્મશક્તિ સ્વરૂપ છે. દેહ માટે ભોજન છે તો આત્મા માટે તપ છે. ૬ બાહ્ય અને ૬ અત્યંતર એવા બાર ભેદવાળો તપ અનોખી કર્મ નિર્જરા કરાવી આત્માને શુદ્ધ કરી અન્તે મુક્તિ અપાવે છે.
૧૫ દાન (ગૌતમ) પદ - ૧૫મા ક્રમે શાશ્વતપદ તરીકે દાનપદની વ્યવસ્થા છે. દાન ગુણ છે. અભયદાનાદિ દાન શ્રેષ્ઠ છે, શ્રી વીરપ્રભુના પ્રથમ ગણધર ગૌતમસ્વામી જે અનન્ત લબ્ધિઓના ભંડાર હતાં. ખીરમાં અંગુઠો રાખી ૧૫૦૦ તાપસોને પારણુ કરાવ્યું અને ઉપદેશ દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવી, એ પદની ઉપાસના આપણે પણ કરવી જોઈએ.
૧૬ જિનપદ – ઈન્દ્રિયોને જીતનાર, વિષય વાસના, મન આદિને જીતનાર, વશમાં રાખનાર જિન છે. કષાય રાગ-દ્વેષાદિને જિતનારા પણ જિન કહેવાય છે. અરિહંત સિવાયના પણ કેવળીઓ આદિ જિન છે. વીતરાગી છે.
૧૦ સંયમપદ - હિંસાદી પાપોનો ત્યાગ, આહારાદિની અનાદિકાલીન સંજ્ઞાઓનો ત્યાગ એ સંયમ છે. આ પદ ઉપાસ્ય છે. સંયમી જીવન નિષ્પાપ બનશે.
૧૮ અભિનવજ્ઞાનપદ - બુદ્ધિના ૮ ગુણો પ્રાપ્ત કરી નવું નવું જ્ઞાન કરવું એ અભિનવ શાન છે. નિત્ય ગાથા-શ્લોકોનો પાઠ કરવો, નવું ચિંતન-મનન કરવું, નવું જ્ઞાન મેળવવું, ભણવું, લખવું આદિ દ્વારા અભિનવ જ્ઞાનપદ આરાધ્ય છે.