________________
૧૨૪
શ્રી વીશસ્થાનક તપ હતું. માટે મિથ્યાત્વનો ત્યાગ કરી શુદ્ધ દેવ ગુરુ ધર્મ વિષે રૂચિવંત થવા જેવું છે.’
આ રીતે ગુરુમુખેથી દેશના સાંભળી નૃપતિ સંવેગ પામ્યો. પુત્રને રાજ્ય આપી રાજાએ ઉત્સવપૂર્વક સંયમ અંગીકાર કર્યું. સમિતિ ગુપ્તિ યુક્ત ચારિત્રનું પાલન કરતાં અનુક્રમે દ્વાદશાંગી ભણ્યાં.
એક દિવસ વીશસ્થાનક વિષે વ્યાખ્યાનમાં આ રીતે સાંભળ્યું કે—જે મહાભાગ અન્નપાનાદિ ભક્તિ વડે - સાધુ સંવિભાગ કરે છે અર્થાત્ મુનિરાજને દાન આપે છે તે શ્રી જિનેશ્વરની સંપદા પામી મોક્ષનું અનંત સુખ પ્રાપ્ત કરે છે.’ આ મુજબ ગુરુ મુખેથી અધિકાર સાંભળી રાજર્ષિમુનિએ અભિગ્રહ લીધો કે ‘આજથી નિરંતર ઉત્તમ મુનિઓએ અન્નપાનાદિ વડે સંવિભાગ કરી તેમાંથી જે અવશેષ રહે એ જ મારે વાપરવું.' આમ અભિગ્રહ ધારણ કરી નિરંતર મુનિઓની ભક્તપાન ઔષધિ આદિ વડે ભક્તિ કરવા લાગ્યાં.
એક વખત ઈન્દ્ર મહારાજે દેવસભામાં હરિવાહન મુનિની સાધુસંવિભાગ રૂપે અનન્ય ભક્તિ જોઈ પ્રશંસા કરી. તે વચનમાં શંકા લાવી સુવેલ નામે દેવ તે મુનિની પરીક્ષા કરવા માયાવી સાધુનું રૂપ કરી હિરવાહન મુનિ પાસે તપસ્યાથી કૃશ દેહવાળો પારણુ કરવા માટે આવ્યો. તે વખતે પોતાને વાપરવાનો જે આહાર હતો તે તેમને આપ્યો. પછી ફરી પોતાને માટે વહોરી લાવી ગુરુ પાસે આલોચી સ્વાધ્યાય કરી વાપરવા બેઠા. તેવામાં તે માયાવી દેવે રિવાહન મુનિના દેહમાં અત્યંત દુઃસહ વેદના ઉત્પન્ન કરી. તે જોઈ ગુરુ આદિ સાધુજનોને ખેદ થયો. પછી વૈદે બતાવ્યા મુજબ કોઈ ગૃહસ્થ ઘરમાંથી જલ્દી ઔષધ લાવી મુનિને વાપરવા કહ્યું. પણ મુનિએ તે વાપર્યું નહીં. એટલે ગુરુએ તેનું કારણ પૂછ્યું. તેના ઉત્તરમાં મુનિ બે હાથ જોડી કહેવા લાગ્યાં કે - ‘હે પ્રભો ! તે ઔષધ કોઈ સુપાત્ર મુનિને આપ્યા સિવાય હું ગ્રહણ નહીં જ કરૂં. આથી અનંતગુણી વેદના થાય અને કદી પ્રાણનો ત્યાગ થાય તો પણ મારાથી ગ્રહણ કરી શકાય નહીં. કેમકે જો તે અન્ય મુનિઓને આપ્યા સિવાય હું ગ્રહણ કરૂં તો મારા વ્રતનો ભંગ થાય અને દુર્ગતિનો ભાજન થાઉં. માટે હે પ્રભો ! મને ગમે તેવી અસહ્ય વેદના થશે તો પણ લીધેલા વ્રતથી હું જરાપણ સ્ખલિત નહીં જ થાઉં.'