________________
૩૪
દાદા ગુરુદેવ ચરિત્ર અત્યન્ત સુંદર, લઘુવયસ્ક એમના ગુરુમહારાજ આપણા શહેરની નજીકના ગામમાં પધાર્યા છે. તેમનાં દર્શન-વંદન કરી દિલ્હી નગરમાં પધારવાની વિનંતી કરવા જઈ રહ્યા છે.
- આ પ્રમાણેની ગુરુદેવની વિશેષતાઓથી આકર્ષાઈ મદનપાલ રાજાને પણ સૂરિજીના દર્શને જવાની ઉત્કંઠા જાગ્રત થઈ. તેમણે રાજ્ય કર્મચારીઓને આજ્ઞા આપી કે અમારો પટ્ટ ઘોડો સજાઓ અને નગરમાં ઉદ્ઘોષણા કરાવો કે રાજપુરુષો તૈયાર થઈ અમારી સાથે ચાલે.
રાજાશા પ્રાપ્ત કરી હજારો સુભટો, સામંતો, મંત્રીઓ તથા શેઠ શાહુકારો વગેરે નગરજનોએ ઘોડાઓ ઉપર સવાર થઈ રાજાજી સાથે પ્રસ્થાન કર્યું.
મદનપાલ રાજાએ ગુરુ મહારાજનો ઉપદેશ સાંભળ્યો. ગુરુદેવની અમૃતવાણીથી રાજા બહુ જ પ્રભાવિત થયા અને સૂરિજીને દિલ્હી શહેરમાં પધારવા પ્રાર્થના કરી.
આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજીને પોતાના ગુરુદેવ શ્રી જિનદત્તસૂરિજીનો અંતિમ ઉપદેશ સ્મૃતિમાં આવ્યો એટલે મદનપાલ રાજાની વિનંતીનો કોઈ પણ ઉત્તર આપ્યો નહીં અને મૌન રહ્યા. રાજાએ ગુરુદેવના મૌનનું કારણ પૂછયું અને કહ્યું કે શું મારી નગરીમાં આપને કોઈ અસુવિધા છે ? અથવા આપના પવિત્ર ચરણને યોગ્ય શું મારી નગરી નથી? અથવા અન્ય કોઈ કારણ છે ? જેથી માર્ગમાં આવેલું મારું દિલ્હી શહેર છોડીને આપ અન્યત્ર પધારી રહ્યા છો ? હું આપને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થવા દઉં અને આપ શહેરમાં પધારો!