________________
આ રીતે શ્રી દશવૈકાલિક સૂત્રની પહેલી સત્તર (૫ + ૧૧ + ૧) ગાથાનું વર્ણન આપણે પૂરું કર્યું. આ સત્તર ગાથાનો સ્વાધ્યાય પૂસાધુ-સાધ્વીજી ભગવન્તોને પચ્ચખાણ પાર્યા પછી, વાપરતાં પૂર્વે અવશ્ય કરવાનો હોય છે. સત્તર પ્રકારના સંયમના પાલન માટે સત્તર ગાથાનો સ્વાધ્યાય રાખ્યો છે. ઓછામાં ઓછા સત્તર પ્રકાર સંયમના છે. બાકી તો સિત્તેર કે એકસો ચાળીસ વગેરે ભેદો પણ સંયમના બતાવેલા છે. આનાથી વધુ સ્વાધ્યાય કરો તો ચાલશે પણ ઓછામાં ઓછી આટલી ગાથાનો સ્વાધ્યાય તો કર્યા વગર ન રહેવું. સાધુપણામાં અનિવાર્ય એવી આહારાદિની પ્રવૃત્તિ કરતી વખતે પણ ક્યાંય રાગદ્વેષની છાયા આત્મા ઉપર પડી ન જાય તે માટે ભગવાને સુંદર ચર્યા ગોઠવી આપી છે. ઉપયોગપૂર્વક આ સત્તર ગાથાના સ્વાધ્યાયથી આત્માને ભાવિત બનાવીએ તો વાપરતી વખતે રાગદ્વેષની પરિણતિથી આત્માને દૂર રાખવાનું કામ ખૂબ જ સરળ છે. આ સૂત્રની આ સત્તર ગાથાના સ્વાધ્યાયથી ભાવિત બની બાકીની પણ બધી જ ગાથાઓના અધ્યયન-પરિશીલનાદિનું સદ્ભાગ્ય વહેલામાં વહેલી તકે પ્રાપ્ત કરી રાગાદિની પરિણતિથી પર બની વીતરાગદશાને પામવા માટે પ્રયત્નશીલ બની રહો – એ જ એકની એક સદા માટેની શુભભિલાષા....
(૧૫૮)