________________
પુરોવચન
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તરફથી સને ૧૯૫૩માં સમગ્ર ભારતનાં જૈન તીર્થો અને જૈન મંદિરો ધરાવતાં અન્ય ગ્રામ-નગરાદિનાં ઐતિહાસિક વર્ણન આલેખતો ગ્રંથ જૈન તીર્થ સર્વ સંગ્રહ ત્રણ ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. પ્રસ્તુત ગ્રંથની નકલો ખપી જવાથી ઘણા સમયથી અનુપલબ્ધ હતો. તેમ જ છેલ્લાં વર્ષોમાં ઇતિહાસ વિષયક ઘણું નવું નવું સંશોધન થયું છે તથા શહેરો અને નગરોમાં અનેક જિનાલયોનાં જીર્ણોદ્ધાર, પ્રતિમાજીઓનું સ્થળાંતર, નૂતન જિનાલયોના નિર્માણ જેવા અનેકવિધ પ્રસંગ અનવરત થતા જ રહ્યા છે. આ તમામ માહિતીનો ઉપયોગ કરી નવા સ્વરૂપે જ ઉક્ત ગ્રંથો પ્રકાશિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે યોજના અનુસાર પ્રથમ રાજનગરનાં જિનાલયો નામનો ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો. ત્યાર બાદ ખંભાતનાં જિનાલયો તથા પાટણનાં જિનાલયો ગ્રંથો પ્રકાશિત થયા. તે શ્રેણિમાં હવે સુરતનાં જિનાલયો (સુરત, વલસાડ તથા નવસારી જિલ્લાનાં જિનાલયો સહિત) ગ્રંથ પ્રગટ થઈ રહ્યો છે ત્યારે હું ખૂબ જ આનંદ અનુભવું છું. પૂર્વે પ્રકાશિત કરવામાં આવેલ જૈન તીર્થ સર્વ સંગ્રહ નામના ગ્રંથો કદમાં દળદાર હતા તેથી ઉપયોગ કરનારને અગવડનો અનુભવ થતો હતો તેમ જ જે તે નગરના ઇતિહાસને જાણવા માટે સંપૂર્ણ ગ્રંથને ઉથલાવવો પડતો હતો. આ અગવડને દૂર કરવા માટે આ સમગ્ર યોજનાને ૧૦ ભાગમાં વિભાજન કરવામાં આવી છે. સંપૂર્ણ વિગત ગ્રંથના અંતે આપવામાં આવી છે. તે અનુસાર ગુજરાતનાં મુખ્ય નગરોના ઇતિહાસને અલગ ગ્રંથોમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. આ કારણે તે-તે નગરના ભાઈઓ પોતાના નગરનો ઇતિહાસ સુપેરે જાણી શકે તેમ જ ભવિષ્યમાં પોતાના વારસદારોને એક અમૂલ્ય ભેટ પણ આપી શકે તેવી ભાવનાથી આ યોજના વિચારવામાં આવી છે. ખંભાતનાં જિનાલયો તથા પાટણનાં જિનાલયો વિશે પૂ. આચાર્ય ભગવંતોના ઉત્સાહવર્ધક અભિપ્રાયો પ્રાપ્ત થયા છે. તે માટે પણ અમે તેમના આભારી છીએ. આ યોજના માટે જેમણે-જેમણે સહકાર આપ્યો છે તેમનો આભાર વ્યક્ત કરું છું.
જિનાલયોની માહિતી એકત્ર કરી પ્રકાશિત કરવાના પ્રસ્તુત કાર્યમાં સુરતનાં જિનાલયોના તથા વલસાડ તેમજ નવસારી જિલ્લાનાં તમામ જિનાલયોના વ્યવસ્થાપક ભાઈઓએ સુંદર સહકાર આપ્યો છે તેનો તેમજ વર્તમાન કાળે જેટલાં જિનાલયો છે તે તમામની સુરત, વલસાડ તથા નવસારીના વતનીઓ દ્વારા ધનથી અને સ્થાનિક ભાઈઓ દ્વારા તન અને મનથી સુંદર સુરક્ષા તથા યથાવત્ જાળવી રાખવા ખૂબ જ સુંદર પ્રયાસ થઈ રહ્યો છે, તેની હું ખૂબ જ અનુમોદના કરું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org