________________
* પ્રત્યક્ષની બલિહારી જ
ગગનમાં રહેલા લાખો તારાઓનો ઓજ પૃથ્વીને શ્વેત કરવા ઓછો પડે છે. જ્યારે પૂર્ણિમાનાં ચંદ્રનું માત્ર એક કિરણ આખીયે વસુંધરાને શ્વેત બનાવી શીતળતા આપવા સમર્થ છે. સો વર્ષનાં સ્વપ્નનાં સુખ કરતાં સન્મુખની માત્ર એક ક્ષણ પ્રગટ સત્ય ઓળખાવે છે. એક પ્રગટ દીવો બીજા દીવાઓને પ્રદીપ્ત કરી શકે છે. તેમ સજીવન મૂર્તિ, પ્રત્યક્ષ દેહધારી જ્ઞાની સાથેની આપણી સંધિ થતાં ચૈતન્યનો ચમત્કાર સર્જાય છે, આત્માનો લક્ષ થાય છે.
શ્રી સોભાગભાઈ ઉપર પ્રશ્ન સ્વરૂપે લખાયેલા પત્રમાં શ્રીમદ્જી પૂર્વે થઈ ગયેલા સિધ્ધ પરમાત્મદેવનો અનુગ્રહ તેમજ વર્તમાનના વિદ્યમાન સત્પુરુષની ગુરુકૃપાની જીકર કરે છે. તે પ્રશ્નનો ઉત્તર સ્વયં શ્રીમદ્જી તેમજ શ્રી સોભાગભાઈએ લખેલા પત્રોમાંથી પ્રાપ્ત થાય છે.
‘શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્યું છે, તેઓ વધારે ઉપકારી? કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મમૂર્તિ સદ્દગુરુ વધારે ઉપકારી ? તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે. અત્ર એટલો વિચાર રહે છે કે મહાવીર સ્વામી સર્વજ્ઞ છે અને પ્રત્યક્ષ પુરુષ આત્મજ્ઞ-સમ્યફદ્રષ્ટિ છે, અર્થાત મહાવીરસ્વામી વિશેષ ગુણસ્થાનકે વર્તતા એવા હતા. મહાવીરસ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે, તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સગુરુની ભકિત કરે એ બેમાં હિતયોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે ? તેનો ઉત્તર તમે બન્ને વિચારીને સવિસ્તાર લખશોજી.”
(પત્રાંક : પ૨૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org