________________
૨૨
નિત્યક્રમ બીજું પદ : “આત્મા નિત્ય છે.” ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં. - ત્રીજું પદ : “આત્મા કર્તા છે.” સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિઘ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંઘ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે.
ચોથું પદ : “આત્મા ભોક્તા છે. ' જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાદ્યાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org