SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૯૯ ( ગંગામા ) ગુજરાતની મહાજન પરંપરાનો તેજસ્વી ઇતિહાસ છે અને તેમાં પણ અમદાવાદના નગરશેઠની તો ભવ્ય અને ઉજ્જવળ પરંપરા જોવા મળે છે. જિનશાસનની કીર્તિગાથાનું આ એક યશસ્વી પ્રકરણ છે. શેઠ શાંતિદાસની કુનેહ, ઉદારતા અને ધર્મપરાયણતા એમના વારસોમાં ઊતરી આવી. માત્ર નગરશેઠ જ નહીં, પરંતુ હરકુંવર શેઠાણી, ગંગામા, મોહિનાબા જેવાં આ કુટુંબનાં નારીરત્નોએ ધર્મ અને સમાજમાં આગવો પ્રભાવ પાથર્યો હતો. શેઠ દલપતભાઈનાં પત્ની ગંગાબહેન અનેકવિધ ધર્મકાર્યોમાં સદાય અગ્રેસર રહેતાં હતાં. વિ. સં. ૧૯૨૧માં શેઠશ્રી દલપતભાઈએ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનો છ'રી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો. પૂજ્ય મૂળચંદજી મહારાજ આ સંઘ સાથે હતા અને એ સમયે પૂજ્ય વૃદ્ધિચંદજી મહારાજ પાલિતાણાથી ભાવનગર પધાર્યા હતા. આ સંઘમાં ગંગામાએ સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચમાં અને શ્રાવક-શ્રાવિકાઓની સાધર્મિક ભક્તિમાં અઢળક ધન તો ખચ્યું, પરંતુ એની પાછળ પોતાની જાત પણ ઘસી નાખી. ચારે પ્રકારના સંઘની ગરિમા વહન કરતાં ગંગામા ધર્મમાતા સમાન હતાં. સહુ કોઈને એમની પાસેથી માતાની મમતા, વાત્સલ્ય અને સેવા મળતાં હતાં અને તેથી જ તેઓ ગંગામા તરીકે ઓળખાતાં હતાં. એમની ઉદારતા જોઈને સહુને આબુ ઉપર અક્ષયકીર્તિ સમાં દેવાલયો બંધાવનાર અનુપમાદેવીનું સ્મરણ થતું હતું. વિ. સં. ૧૯૬૭ના કારતક વદ ૯થી માગસર વદ ૧૦ને રવિવાર સુધી અમદાવાદના ચારેય સંઘને અમદાવાદની શહેરયાત્રા કરાવી. આ ધર્મપ્રસંગ એટલો વિરલ હતો કે મુનિરાજ શ્રી રત્નવિજયજી મહારાજે આ ધર્મયાત્રાને વર્ણવતું ભાવવાહી સ્તવન રચ્યું હતું. એક વાર ગંગામા આચાર્યશ્રી નેમિસૂરીશ્વરજી મ.સા.નું વ્યાખ્યાન સાંભળતાં હતાં. આ સમયે શાસનસમ્રાટ આચાર્યશ્રીએ એમની સિંહગર્જનાભરી વાણીમાં તીર્થરક્ષાના મહત્ત્વ અંગે વિસ્તૃત વિવરણ કર્યું. ગંગામાના ચિત્તમાં આનાથી ઉલ્કાપાત જાગ્યો. એ સમયે પરમ પવિત્ર સમેતશિખરજી પહાડ પર અંગ્રેજો શિકારીઓ અને સહેલાણીઓ માટે એક ગેસ્ટ હાઉસ બાંધી રહ્યા હતા. ગંગામાનું ચિત્ત વિચારે ચડ્યું. અનેક તીર્થકરો અને મુનિગણોની તપોભૂમિ અને નિર્વાણભૂમિની આવી આશાતના! કેવી પાવન છે આ તીર્થભૂમિ કે જ્યાંથી વીસ તીર્થંકર પરમાત્માઓ અને અનેક મુનિગણો તપશ્ચર્યા કરતાં મોક્ષે સિધાવ્યા છે! આવી પાવનભૂમિ પર અંગ્રેજ સહેલાણીઓ માટે મોજશોખ, શિકાર, આનંદપ્રમોદ, માંસાહાર, મદિરા અને અભક્ષ્ય ભોજનનું અતિથિગૃહ? ગંગામા મનોમન પ્રભુ પાર્શ્વનાથની પ્રાર્થના કરવા લાગ્યાં. શ્રી સમેતશિખર પર્વત પણ શ્રી પારસનાથ પર્વત તરીકે જાણીતો હતો. આ આપત્તિમાંથી ઉગારવા માટે ગંગામા પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન ગાવા લાગ્યાં. ગંગામાને પોતાના વીર પૂર્વજોનું સ્મરણ થયું. શેઠ શાંતિદાસે તીર્થરક્ષા માટે તો ધર્મઝનૂની એવા ઔરંગઝેબને નમાવ્યો હતો. ગંગામાના પુત્ર લાલભાઈ ભોજન માટે આવ્યા ત્યારે ગંગામાએ એમની થાળીમાં બંગડીઓ પીરસી. લાલભાઈ આનો અર્થ સમજી શક્યા નહીં ત્યારે ગંગામાએ કહ્યું : આચાર્ય નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ તીર્થરક્ષા કાજે વ્યથિત છે ત્યારે તમે નગરશેઠ હોવા છતાં કશું કરતા નથી. આવા નિષ્ક્રિય જ રહેવાના હો તો આ બંગડી પહેરી લો અને મને તમારી સત્તા આપી દો. હું તીર્થરક્ષા માટે મારા પ્રાણની આહુતિ આપવા તૈયાર છું.” માતાના પુણ્યપ્રકોપે લાલભાઈમાં જુસ્સો જગાડ્યો. પુત્રના વીરત્વને માતાની વાણીએ જાગ્રત કર્યું. એમણે અંગ્રેજ સરકાર સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો અને ગેસ્ટ હાઉસનું બાંધકામ બંધ રખાવ્યું. ગંગામાં સાધુ-સાધ્વીઓને અગાધ આદર આપતાં હતાં. સાથોસાથ પાંચ મહાવ્રતોની બાબતમાં સાધુ-સાધ્વી સમુદાયમાં શિથિલતા પેસી ન જાય તેની તકેદારી પણ રાખતાં હતાં. કયાંક કોઈ ક્ષતિ કે ઊણપ જુએ કે તરત જ વહાલસોયી માતાની માફક ધ્યાન દોરે. પોતાના પરિવારમાં પણ ધર્મમર્યાદા જળવાય તે માટે સદૈવ જાગ્રત રહેતાં અને અભક્ષ્ય ભક્ષણ ન થાય તેની સાવચેતી રાખતાં. આવાં હતાં ધર્મમાતા સમાં ગંગામા! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy