SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ] [ જૈન પ્રતિભાદર્શન શ્રી હેમચંદ્રાચાર્ય ) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કવિતા અને વ્યાકરણ, ઇતિહાસ અને પુરાણ, યોગ અને અધ્યાત્મ, કોશ અને અલંકાર, ત્યાગ અને તપશ્ચર્યા, સંયમ અને સદાચાર, રાજકલ્યાણ અને લોકકલ્યાણ એવાં અનેકવિધ ક્ષેત્રોમાં સાત દાયકા જેટલા દીર્ધકાળ સુધી અભૂતપૂર્વ કાર્ય કર્યું. સાધુતા અને સાહિત્યના ક્ષેત્રે છેલ્લાં હજારેક વર્ષમાં એમની સાથે તુલના કરી શકાય તેવી કોઈ બીજી વિભૂતિ નજરે પડતી નથી. ધંધુકા શહેરમાં મોઢ વણિક જ્ઞાતિના ચાચિગ અને પાહિણીના આ પુત્રનાં લક્ષણ પારણામાંથી પ્રગટ થયાં. શાસ્ત્રોના જ્ઞાતા, સામુદ્રિક લક્ષણ વિદ્યાના જાણકાર અને અનેક ગ્રંથોના રચયિતા આ. શ્રી દેવચંદ્રસૂરિ એ સમયે ધંધુકામાં બિરાજમાન હતા. પાંચ વર્ષના બાળક ચાંગને લઈને માતા પાહિણી શ્રી દેવચંદ્રસૂરિજીને વંદન કરવા આવ્યાં. આ સમયે દર્શનાર્થે જિનાલય ગયેલા શ્રી દેવચંદ્રસૂરિજી ઉપાશ્રયે આવતા બાળકની મુખાકૃતિ અને સાહજિક રુચિ જોતાં એમણે પાહિણીને કહ્યું, “તારો પુત્ર ભવિષ્યમાં મહાન સાધુ બનીને અનેક લોકોનું કલ્યાણ કરશે.' શ્રી દેવચંદ્રસૂરિ સંઘના આગેવાનોને લઈને પાહિણીને ઘેર આવ્યા. પાહિણીએ પોતાનું મહાભાગ્ય જાણીને આનંદ અનુભવતાં પુત્ર ચાંગને ગુરુચરણે સમર્પી દીધો. એમને મુનિ સોમચંદ્ર નામ આપવામાં આવ્યું. મુનિ સોમચંદ્રને કઈ રીતે આચાર્ય હેમચંદ્ર નામ આપવામાં આવ્યું તે વિષે એક દંતકથા પ્રચલિત છે. પાટણના શ્રેષ્ઠી ધનદ શેઠે સોમચંદ્ર મુનિને પોતાને ત્યાં ગોચરી માટે પધારવા વિનંતી કરી. મુનિ સોમચંદ્ર વૃદ્ધ મુનિ વીરચંદ્ર સાથે ધનદ શેઠને ત્યાં ગયા. એ સમયે ધનદ શેઠની દરિદ્રતા જોઈને સોમચંદ્રને મુનિ વીરચંદ્ર કહ્યું કે આની પાસે ઘણી સુવર્ણમુદ્રાઓ છે, પરંતુ તે કોલસા જેવી કાળી દેખાતી હોવાથી એની એમને ખબર નથી. આનું નામ જ છે કર્મની પ્રબળતા. ધનદ શેઠને કાને આ વાત આવી ત્યારે એમણે સોમચંદ્ર મુનિને એ ઢગલા પર બેસાડી દીધા. કાળી કોલસા જેવી સુવર્ણમુદ્રાઓ એકાએક સુવર્ણનો ચળકાટ ધરાવતી થઈ ગઈ. આ સમયે ધનદ શેઠે સોમચંદ્ર મુનિનું આચાર્ય તરીકે હેમચંદ્ર નામ રાખવાનું એમના ગુરુદેવને કહ્યું. હેમચંદ્રાચાર્યની કીર્તિની કથાઓ ગુજરાતના રાજવી સિદ્ધરાજ સુધી પહોંચી. એક વખત સિદ્ધરાજ હાથી પર બેસીને પાટણની મુખ્ય બજારમાંથી પસાર થતો હતો ત્યારે એણે કરેલી વિનંતીને કારણે હેમચંદ્રાચાર્યે એક શ્લોક કહ્યો. આ શ્લોક સાંભળીને સિદ્ધરાજ પ્રભાવિત થયો. માળવાના વિજય પછી સિદ્ધરાજ સમક્ષ વિદ્વાનોએ ભોજના સંસ્કૃત વ્યાકરણની પ્રશંસા કરી. શત્રુ રાજાની પ્રશંસા સિદ્ધરાજને પસંદ પડી નહીં, કિંતુ તપાસ કરતાં એને જાણ થઈ કે એના રાજયમાં બધે જ અભ્યાસીઓ ભોજના વ્યાકરણનું અધ્યયન કરે છે. ભોજ કરતાં ચડિયાતું વ્યાકરણ લખવાનો સિદ્ધરાજનો પડકાર એના રાજયના એકેય પંડિત કે વિદ્વાન ઝીલી શક્યા નહીં, પરિણામે સિદ્ધરાજે શ્રી હેમચંદ્રાચાર્યને વિનંતી કરી. એમણે લગભગ એક વર્ષમાં સવા લાખ શ્લોકની સાથે પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ સમાવી લેતું “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન' નામનું વ્યાકરણ તૈયાર કર્યું. હાથી પર અંબાડીમાં એની નકલ મૂકીને ભારે ધામધૂમપૂર્વક પાટણમાં શોભાયાત્રા કાઢવામાં આવી. ગુજરાતમાં પહેલી વાર સરસ્વતીનું આવું વિરાટ બહુમાન થયું. “સિદ્ધહેમ'ના ટૂંકા નામે ઓળખાતું આ વ્યાકરણ રાજદરબારમાં વંચાયું અને ભારત ઉપરાંત નેપાળ, શ્રીલંકા અને ઇરાન જેવા દૂરના દેશોમાં તે મોકલવામાં આવ્યું. એ પછી આજ સુધીના આશરે આઠસો વર્ષના ગાળામાં કોઈ વિદ્વાને આવું વ્યાકરણ રચ્યું નથી. નિઃસંતાન સિદ્ધરાજ પછી કુમારપાળ ગાદીએ આવશે તેવી આગાહી હેમચંદ્રાચાર્યે કરી હતી, પરંતુ કુમારપાળ પ્રત્યે વેરભાવ રાખતા સિદ્ધરાજે એને મરાવી નાખવાના ઘણા પ્રયત્નો કર્યા. એક વાર ખંભાતમાં ગુપ્ત વેશે કુમારપાળ હેમચંદ્રાચાર્યને મળવા ગયા હતા. સિપાઈઓ આવતાં કુમારપાળને સંતાડી દીધા. ગુરુની ભાવના અનુસાર હેમચંદ્રાચાર્યે અનેક ગ્રંથો લખ્યા. સમ્રાટ કુમારપાળના સમયમાં અમારિ ઘોષણા કરીને અહિંસાનું પ્રવર્તન કર્યું. ૮૪ વર્ષની સુદીર્ઘ જીવનયાત્રા બાદ વિ. સં. ૧૨૨૯માં પાટણમાં હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy