________________
૧૧૩૬
નિરંતર પ્રગતિશીલ આ સંસ્થાને ગુજરાત સરકાર તરફથી ગુજરાતની શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર મળેલ છે. સુભદ્રાબેન ૧૯૪૬ થી ૧૯૬૪ સુધી સતત ૨૦ વર્ષ સંસ્થાના આચાર્યપદે રહ્યા. ૫૦ વર્ષની વયે (સ્વૈચ્છિક) નિવૃત્તિ લીધી (પેન્શન નહોતું). ૧૯૬૪માં સંસ્થાના નિયામક બન્યા અને ૨૪ વર્ષ વગર વેતને કાર્યરત રહ્યા. ૨૬-૩-૦૬ના તેમનું અવસાન થયું. ૧૯૬૫માં ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તેમને મળ્યો. સૌરાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાત સરકારની મહિલાઉદ્યોગ, પાઠ્યપુસ્તક, પ્રૌઢ શિક્ષણ સહિતની શિક્ષણક્ષેત્રની અગત્યની સમિતિઓમાં સુભદ્રાબહેન વર્ષો સુધી સભ્યપદે રહી સ્રી સશક્તિકરણને મૂર્ત સ્વરૂપ આપવા સતત જાગ્રત રહ્યા.
શિક્ષણ અંગેના તેમના લેખો વિવિધ સામાયિકોમાં છપાતા રહ્યા છે. સંસ્થાના સર્જન અને સંમાર્જનમાં ઢેબરભાઈનો હિસ્સો મહત્ત્વનો હતો. “ઢેબરભાઈની જીવન ઝરમર” ગ્રંથનું લેખન પણ સુભદ્રાબેને કર્યું છે. તેમણે કન્યાકેળવણીના હેતુને સિદ્ધ કરવા જાતને સંકોરી લીધી હતી. તેઓએ જે કાર્ય શરૂ કર્યું તેને સંપૂર્ણ રીતે દીપાવવા સતત પ્રયત્નશીલ રહ્યા. જે તે સમયના રૂઢિચુસ્ત સમાજમાં કન્યા કેળવણીનો પથ નવો જ હતો. પ્રતિકૂળ સંજોગોમાં પણ દીર્ઘદ્રષ્ટિ દાખવી નવી ભાત ઉપસાવી હતી.
અડદી સદીની શિક્ષણયાત્રા પછી પણ સંસ્થા તેના શાશ્વત મૂલ્યો સાથે સતત પ્રગતિ કરતી રહી છે તે માટે સુભદ્રાબેને ઊભી કરેલી સ્વસ્થ, ઉજ્જ્વળ પરંપરાને જ શ્રેય આપવું ઘટે. સુભદ્રાબેને શરૂઆતથી સંસ્થામાં એક આત્મીય, હૂંફાળું અને પ્રેમાળ વાતાવરણ ઊભું કર્યું. અનેક સેવાકીય પ્રવૃત્તિઓ એવી કરી કે જેને કારણે શિક્ષક-વિદ્યાર્થીનો સંવાદનો સેતુ અવિરત જળવાઈ રહે. શાળામાં જ શિક્ષકોના રહેણાંકની વ્યવસ્થાથી ભય કે અળગાપણું દૂર થઈ સ્નેહ પાંગરે. આમ શાળાનું વાતાવરણ અન્ય સંસ્થાઓથી અલગ પડે છે. અહીંના વિદ્યાર્થીને કેળવણીનો સંદર્ભ સમજાવવો પડતો નથી. અહીંનું વાતાવરણ જ એવું બંધાય છે કે કેળવણી સહજતાથી મળે છે. જે બીજે પ્રયત્નપૂર્વક, નાણાના ખર્ચ પછી પણ મળવું મુશ્કેલ છે.
આમ સુભદ્રાબેન હંમેશા પ્રયોગશીલ રહ્યા, નવી સારી બાબતોને આવકારી, શાળાની વિદ્યાર્થીનીઓ જ શાળામાં શિક્ષક અને આચાર્ય તરીકે રહી શાળાને દોરવણી આપતા રહ્યા છે. જેનાથી દીવે દીવો પ્રજ્વલિત થયો છે અને સિદ્ધાંતો સાર્થક થયા
Jain Education International
જિન શાસનનાં
છે. સુભદ્રાબેને અને તેના પછીના આચાર્યોએ મૂલ્યોની જાળવણી માટે સંસ્થાને હંમેશ નવા આયામો સાથે જીવતી રાખવા પછીની પેઢીને તૈયાર થવાની તક આપી છે.
સુભદ્રાબેનની કેળવણી તેમના વ્યવહારમાં જ ટપકતી હતી. શુદ્ધ વ્યક્તિત્વ, વહીવટી પારદર્શકતા, વ્યવહારમાં સરળતા, સમય–શિસ્તના આગ્રહી, તીક્ષ્ણ બુદ્ધિમત્તા છતાં વાણી અને વર્તનમાં ખૂબ જ પ્રેમાળ, સ્ફટિક જેવી અંતઃકરણની નિર્મળતા અને જીવનભર છલકાતો ઉત્સાહ તેમના જીવનની મહત્ત્વની અનુકરણીય બાબત હતી. તેમના જીવન સાફલ્યનું મૂલ્ય એ છે કે પાયાના કાર્યકર તરીકે તેમણે જે ધ્યેય અપનાવ્યું તે સંસ્થા આજે પણ કન્યાકેળવણીના માધ્યમથી મ્હેકી રહી છે. અનેક વિદ્યાર્થીનીઓ માટે સિદ્ધિ મેળવવામાં પથદર્શક બની રહી છે. સુભદ્રાબેનની કાર્યપદ્ધતિ આજે પણ વિદ્યાલયની મૂડી, પારદર્શક પરિબળ અને પથદર્શક બની રહી છે. આમ સુભદ્રાબેન કન્યા કેળવણીના પાયાના કાર્યકર તરીકે કામ કરી વ્યક્તિ મટી સંસ્થા બન્યા છે.
૨૦મી સદીમાં જે રાજકીય જાગૃતિ અને સામાજિકશૈક્ષણિક જાગૃતિનો નવો ઉન્મેશ જાગ્યો તેનું સુંદર ઉદાહરણ સુભદ્રાબેન છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર સામાજિક-શૈક્ષણિક ક્ષેત્રે પછાત રહ્યું હતું, તેમાં ગાંધીપ્રેરિત મૂલ્યો સાથે કન્યાકેળવણીના ક્ષેત્રે એક નવી જ કેડી કંડારનાર તેઓ હતાં. તેમણે જે નમૂનેદાર સંસ્થા ઊભી કરી તેણે સૌરાષ્ટ્રની અન્ય કન્યા કેળવણીના ક્ષેત્રે રહેલી વ્યક્તિ-સંસ્થાઓને પ્રેરણા આપી, તેમની સમક્ષ એક આદર્શ ઊભો કર્યો છે.
આવા આ કન્યાકેળવણી સમર્પિત મૂઠી ઊંચેરા મહિલાને સો સો સલામ......સ્વ. સુભદ્રાબેનના જીવન માટે કંઈ ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે.....
એક પળ સમજી લીધી, અનેક પળ ઉકેલી લીધી, પળ પળ જિંદગી જીવીને, પળમાં સંકેલી લીધી.....
આવા આર્ષદૃષ્ટા, કેળવણીકાર, પ્રચંડ પુરુષાર્થી તેમ જ શિક્ષણક્ષેત્રની મહાન સંન્યાસિની એવા સ્વ. સુભદ્રાબેનના જીવનને કંડારવા શબ્દો પણ ઓછા પડે, પણ એટલું ચોક્કસ કહી શકાય કે,
સમાવી દેવું તમ વ્યક્તિત્વ, મારે શબ્દતણાં સાગરમાં, પણ ઓછો પડ્યો શબ્દસાગર, મારી ભાવના તણા ગાગરમાં.
For Private & Personal Use Only
www.jainelibrary.org