________________
પર્યુષણમાં પ્રભુ મહાવીર જન્મવાચન દિને સુપનો ઉતારવા અંગે હાલમાં પર્યુષણમાં પ્રભુ મહાવીર જન્મવાચન દિને સુપનો ઉતારવા અંગેની જુદાજુદા સંઘોમાં વિવિધ પદ્ધતિઓ જોવા મળે છે. કેટલાક સંઘોમાં શરૂઆતના બે-અઢી કલાક તો ચૌદેય સુપનો સંબંધી અને ઘોડિયા પારણા સંબંધી બધી બોલીઓ એક સાથે બોલવામાં પસાર થાય છે. બધી બોલીઓ બોલાઈ રહ્યા પછી બોલીઓ મુજબનું ચૌદેય સુપનો સંબંધી કાર્ય માત્ર અડધા કલાક જેવા સમયમાં એક સાથે જ કરાય છે. તે વખતે ચૌદેય સુપનો સંબંધી બોલી બોલનારા સર્વ ભાગ્યશાળીઓ એક સાથે મોટા સમૂહમાં ભેગા થઈ સુપનો આસપાસ ટોળે વળીને ઊભા રહી જાય છે. એથી આવા પુણ્યપ્રસંગને હર્ષોલ્લાસપૂર્વક નજરે નીહાળવા માટે ત્યાં ઉપસ્થિત સભાજનો બોલીઓ મુજબનાં, સુપનોને માળા પહેરાવવી વગેરે પુણ્યકાર્યોને બિલકુલ જોઈ શકતા નથી. આથી સભાજનોને એમાં રસ રહેતો નથી. એ પુણ્યકાર્યોમાં રસ માત્ર બોલી બોલનારાઓને જ રહે છે. કેટલાંક ગામોના સંઘોમાં નીચે મુજબની એક વ્યવસ્થિત ને સુંદર પદ્ધતિ જોવા મળે છે.
સૌપ્રથમ સંઘના રિવાજ મુજબની મુનીમ બનવાની તથા આદેશ લેનારને કુંકુમ તિલક કરવું વગેરે બોલીઓ બોલાય છે. ત્યાર પછી સગવડ પ્રમાણેના માળિયા જેવાં ઊંચા સ્થાનમાં બેસીને આકાશમાંથી ચૌદેય સુપનો ઉતારવા અંગેની બોલી બોલાય છે.
ત્યાર પછી પ્રથમ હાથીનું સુપન ઉતારાય છે. પછી એને ઝુલાવવાની બોલી બોલાય છે. આદેશ મેળવનાર આવીને સુપનને ઝુલાવ્યા કરે છે. સુપનને ઝુલતું રાખીને જ સંઘના રિવાજ મુજબની સુપનને ફૂલની માળા પહેરાવવાની બોલી બોલાય છે. આદેશ અપાયા પછી આદેશ મેળવનાર આવીને સુપનને ફૂલની માળા પહેરાવી જાય છે. ત્યાર પછી સુપનને સોનાની, મોતીની વગેરે માળાઓ પહેરાવવાની બોલીઓ ક્રમસર બોલાય છે. જેમ જેમ આદેશ અપાતા જાય છે તેમ તેમ આદેશ મેળવનાર ભાગ્યશાળીઓ આવી-આવીને આદેશ મુજબના લાભ એજ વખતે લેતા રહે છે અને તિલક કરાવવું વગેરે કાર્યો પતાવીને પોતપોતાના સ્થાને બેસી જાય છે. છેલ્લે સુપનને માથે લઈને પાટ ઉપર પધરાવવાની બોલી બોલાય છે. આદેશ મેળવનાર (સ્ત્રી) આવીને સુપનને માથે લઈને પાટ ઉપર પધરાવે છે. ( આ પ્રમાણેનાં પ્રથમ સુપન સંબંધી સર્વ કાર્યો એજ વખતે પૂર્ણ કરાય છે ને ત્યાર પછી વૃષભ વગેરે બાકીનાં સુપનો ક્રમસર ઉતારાય છે અને પ્રથમ સુપનની જેમ જ સર્વ સુપનો અંગેની બોલીઓ બોલાય છે અને જેમ જેમ આદેશ અપાતા જાય છે તેમ તેમ આદેશ મુજબના લાભ એજ વખતે લેવાતા જાય છે. | છેલ્લે ઘોડિયા પારણા અંગેની રિવાજ મુજબની બોલીઓ બોલાય છે અને પારણામાં ચાંદીનું શ્રીફળ પધરાવીને પારણું ઝુલાવવું વગેરે કાર્યો થાય છે. | નોંધ : પારણું ઝુલાવવાનું કાર્ય સ્ત્રીઓને યોગ્ય હોવાથી તે કાર્ય માત્ર સ્ત્રીઓ દ્વારા કરાય તે જ યોગ્ય છે. સ્ત્રી-પુરુષો ભેગાં મળીને પારણું ઝુલાવે તે મર્યાદા સંગત નથી. | સુપનો ઉતારવા અંગેની આ પદ્ધતિ વ્યવસ્થિત ને અનુકરણીય એટલા માટે જણાય છે કે બોલી મુજબનું પ્રત્યેક કાર્ય આદેશ મળતાંની સાથે જ એક પછી એક એમ ક્રમસર કરાય છે.
www.jainelibrary.org