________________
૧૪. હં.. હં... આ શું કરો છો મને... મને...
વિ.સં. ૨૦૦૪ની વાત છે. શરીર શિથિલ થઈ ગયું હતું. ગાત્ર ગળી રહ્યાં હતાં. સૌરાષ્ટ્ર તરફનો વિહાર જરૂરી હતો. વઢવાણ શહેરમાં પ્રભુજીની પ્રતિષ્ઠાના પ્રસંગમાં જવું અનિવાર્ય હતું.
પગે ચાલીને વિહાર થઈ શકે તેમ નથી. ડોળી સિવાય કોઈ વિકલ્પ નથી. પણ આજ સુધી ગમે તેવી વિકટ સ્થિતિમાં પણ ડોળીનો વિચાર નથી કર્યો તેથી મન તૈયાર નથી.
છેવટે પૂજ્ય ઉદયસૂરિ મહારાજ, પૂજ્ય નંદનસૂરિજી મહારાજ અને શ્રાવકોમાં ફૂલચંદ છગન, સલોત વગેરેએ ગુપ્તપણે ડોળીની ગોઠવણ કરી. બરાબર વિહાર વખતે સાબરમતી ઉપાશ્રયની બહાર આવી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની જય બોલાવીને સામે રાખેલી ડોળીમાં બિરાજવા વિનંતિ કરી. ડોળી જોઈને પૂજ્યશ્રી બોલી ઊઠ્યા.
“આ શું કરો છો... મને... મને.... ડોળીમાં...' આટલું બોલતાં તો આંખ આંસુથી છલકાઈ ગઈ. ગળે ડૂમો બાઝી ગયો. જોનારાં બધાં સ્તબ્ધ થઈ ગયાં. વાતાવરણ થોડી વાર માટે ભારે થઈ ગયું. પણ શરીરની સ્થિતિ જોતાં આ સિવાય છૂટકો ન હતો. છેવટે પૂજ્યશ્રી કચવાતે મને બેઠા. સાધુ સંઘ બધાને હાશ થઈ. પૂજ્યશ્રીનો સંયમપ્રેમ જોઈ બધાનાં હૈયાં દ્રવી ગયાં.
।। નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂર્ય ।।
Jain Education International
For Private & Personal Use Only
૨૯
www.jainelibrary.org