________________ આગમશાન હિતકર ક્યારે...? આ આગમ પણ જો સંયમની નિર્મળતાને માટે ન ભણાય, સંયમને ખીલવવાને માટે ન ભણાય, સંયમની પ્રચારણા આદિને માટે ન ભણાય અને કેવળ માનપાનાદિને માટે જ ભણાય, તો કદાચ તેવા પ્રકારનો પુણ્યનો યોગ હોય તો માનપાનાદિ મળી રહે, પણ એ માનપાનાદિનો ભોગવટો અંતે ફુટી નીકળ્યા વિના ન રહે. એવાઓના આત્માને માટે તો આગમજ્ઞાન પણ હિતકર નિવડવાને બદલે હાનિકારક નિવડેઃ કારણ કે તે જેમ જેમ ભણતો જાય, તેમ તેમ તેનો ઘમંડ વધતો જાય. તેનાથી કોઈ ભૂલ થઈ જાય, તેને તે ભૂલ, ભૂલ તરીકે દેખાઈ જાય, તોય તે પોતાની ભૂલને સુધારે તો નહીં. પણ પોતાના આગમજ્ઞાનનો દુરુપયોગ કરવા દ્વારા પણ ભદ્રિક જનતાને મુંઝવે. જ્યાં વિપરીત હેતુ આવ્યો, એટલે ગમે તેવો જ્ઞાની પણ પડતીના માર્ગે પડ્યો સમજો ! દુનિયામાં કદાચ એની ચડતી થતી દેખાય, તો પણ એ વસ્તુતઃ ચડતીને રસ્તે નથી, પણ પડતીને રસ્તે છે. -પૂ.આ.શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા