________________
સંપાદકીય નિવેદન.....
કલિકાલસર્વજ્ઞશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજનો જન્મ વિ.સં. ૧૧૪૫ કાર્તિકી પૂનમને દિવસે ધંધુકા ગામે માતા પાહિણીની કુક્ષિએ થયો હતો. પૂર્ણતલ ગચ્છીય શ્રીદત્તસૂરિજી મહારાજ, તેમના શિષ્ય શ્રીયશોભદ્રસૂરિજી મહારાજ, તેમના શિષ્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ, તેમના શિષ્ય શ્રીગુણસેનસૂરિજી મહારાજ, તેમના શિષ્ય શ્રીદેવચંદ્રસૂરિજી મહારાજના સ્વહસ્તે પાંચ વર્ષની ઉંમરે – મતાંતરે નવ વર્ષની ઉંમરે દીક્ષા અંગીકાર કરી શ્રી દેવચંદ્રસૂરિજી મહારાજના શિષ્ય મુનિ સોમચન્દ્ર નામે પ્રસિદ્ધ થયા હતા. શ્રી દેવચંદ્રસૂરિજી મહારાજની અને શ્રુતદેવી સરસ્વતીની અસીમ કૃપાથી સાડા ત્રણ કરોડ શ્લોક પ્રમાણ ન્યાય-વ્યાકરણ-કાવ્ય-અલંકાર-સાહિત્યાદિ વિષયક અનેકવિધ ગ્રંથોનું સર્જન કર્યું હતું. તદુપરાંત ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાળ મહારાજાને ધર્મદશના દ્વારા પ્રતિબોધ પમાડી જૈનધર્માનુરાગી બનાવી ૧૮-૧૮ દેશોમાં અમારિ પ્રવર્તાવી હતી. કલિકાલસર્વજ્ઞની વિદ્વત્તાનું વર્ણન કરવું એટલે ઝળહળતાં સૂર્યના તેજ-પ્રકાશ આગળ દીવડી ધરવા સમાન છે. કલિકાલસર્વજ્ઞના મુખ્ય પ્રસંગોને આવરી લેતું તેમનું જીવનચરિત્ર તથા તેમણે રચેલા ગ્રંથોની માહિતી “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” લેખક – મોહનલાલ દલીચંદ દેસાઈ, હેમસમીક્ષા, “હેમચન્દ્રાચાર્ય” (લેખક – ધુમકેતુ), પ્રભાવક ચરિત્રાદિ અનેકવિધ ગ્રંથોમાં આલેખાયેલી છે.
કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી મહારાજે વિ.સં. ૧૧૯૪ માં પંચાંગી સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન વ્યાકરણની રચના કરી હતી. તે વ્યાકરણના મૂળસૂત્રોમાં આવેલા શબ્દો, તથા ઉદાહરણ-પ્રત્યુદાહરણની સાધનિકા કોઈક વ્યાકરણ વિશારદે તૈયાર કરી ઢુંઢિકા નામે પ્રસિદ્ધ કરી હતી. તેની એક હસ્તલિખિત પ્રતિ હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર-પાટણથી તથા બીજી હસ્તલિખિત પ્રતિ હંસવિજય-કાંતિવિજયજી મહારાજ સંગૃહીત જ્ઞાનભંડાર, જાનીશેરી-વડોદરાથી પ્રાપ્ત થઈ હતી. તેને આધારે બીજા ભાગનું સંપાદન કાર્ય કર્યું છે. અધ્યયન-અધ્યાપનમાં સુગમતા રહે તે હેતુથી વ્યાકરણ સંબંધી શબ્દમહાર્ણવન્યાસ, ધાતુપારાયણ, ક્રિયારત્નસમુચ્ચયાદિ અનેકવિધ ગ્રંથોના ઉદ્ધરણો આપવામાં આવ્યા છે. પાટણ જ્ઞાનમંદિરમાંથી પ્રાપ્ત થયેલી પ્રતિના ઉદ્ધરણો-પાઠાંતરો આપવામાં આવ્યા છે ત્યાં જે કરવામાં આવ્યો છે.
બાલબ્રહ્મચારી તપાગચ્છાધિપતિ શાસનસમ્રાટ આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના ગચ્છાધિપતિ પરમપૂજય આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ.સા. તથા પરમપૂજય આચાર્ય શ્રી વિજયશીલચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા-કૃપાથી બીજા ભાગનું સંપાદન કાર્ય કરી શક્યો છું.
ગ્રંથ પ્રકાશનમાં પ્રત્યક્ષ-પરોક્ષ સહભાગી બનનાર સર્વેની અનુમોદના. ગ્રંથનું સંપાદન કરતાં કોઈ પણ પ્રકારની ક્ષતિ રહી ગઈ હોય તો સુધારી લેવા વિનંતી.
વિશા ઓશવાળ જૈન ઉપાશ્રય,
ખંભાત
મુનિ વિમલકીર્તિવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org