________________
પ્રકાશકીય
જિનશાસનના પરમ તેજસ્વી અધિનાયક, મહામહિમ સૂરિસમ્રાટ, પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અનન્ત કરુણાથી આપણા શ્રુતવારસાને નવજીવન આપવાની ભગીરથ પ્રવૃત્તિ માટે અમે નાનો સરખો પરિશ્રમ ઉઠાવીને અભ્યાસપાત્ર ગ્રંથોનું નવમુદ્રણ અને પુનર્મુદ્રણ કરી રહ્યા છીએ.
અમારી શ્રુતસાધનાને સદા સર્વદા આશીર્વાદ આપીને, અમને ખૂબખૂબ ઉલ્લાસિત રાખનારા સુવિશાલગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના અનન્ત ઉપકારોની અમીવર્ષાને ચિરંજીવ બનાવવાની શુભભાવનાથી “શ્રી વિજયમહોદયસૂરિગ્રંથમાળાનો અમે પ્રારંભ કરી રહ્યા છીએ. “શ્રી સ્યાદ્વાદમંજરી” આ ગ્રંથમાળાનું પ્રથમ પુષ્પ છે.
પ્રવચન પ્રભાવક પૂજ્યપાદઆચાર્યદેવ શ્રીમવિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાની મંગલ પ્રેરણાથી શ્રી નગીનદાસભાઈ પૌષધશાળા સંચાલિત શ્રી કેસરબાઈ જ્ઞાનમંદિર ટ્રસ્ટ, પાટણ દ્વારા આ ગ્રંથના પ્રકાશનનો લાભ લેવામાં આવ્યો છે. અમો આ ટ્રસ્ટની હાર્દિક અનુમોદના કરીએ છીએ.
સૂરિરામના વિદ્વાન શિષ્યરત્નો પ્રવચનકાર બંધુબેલડી પૂ. મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મહારાજ, પૂ.મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મહારાજના કુશળ સંપાદન અને માર્ગદર્શન તળે પ્રકાશિત થતી આ ગ્રંથશ્રેણિ જિનશાસનનો જય જયકાર ગજવે એ જ શુભકામના.
પ્રવચન પ્રકાશન