________________
૧૯૮
ધન્યકુમાર ચરિત્ર શતાનિક રાજા પાસે જઈને સૈન્ય લાવી ભિલ્લાદિકને શિક્ષા કરીએ, કારણકે અહીંથી જતી વખતે ધન્યકુમારે તે રાજાને કહ્યું છે કે : “મારા ગામોનું તથા મારા કુટુંબીજનોનું આપત્તિમાં આપ રક્ષણ કરજો અને સહાય આપજો.” તે હેતુથી તેમની પાસે જઈ રાજ્ય સહાય લાવીને સુખેથી રહીએ.” આ વિચાર કરીને કૌશાંબીમાં જવાને તેઓ તૈયાર થયા.
તે જ દિવસે કૌશાંબી નગરીમાં રાત્રીએ અકસ્માતુ અગ્નિનો ભય ઉત્પન્ન થયો, પ્રબળ વાયુથી પ્રેરાયેલ તે અગ્નિને શમાવવાને કોઈ સમર્થ થયું નહિ. તે અગ્નિના ઉપદ્રવથી ધનસારના ઘરમાં રહેલ સર્વ વસ્તુઓ ભસ્મીભૂત થઈ ગઈ, ઘરમાંથી કાંઈ પણ નીકળી શક્યું નહિ, માત્ર ઘણી મહેનતે ધનસાર અને તેની પત્ની બે જણા શરીર ઉપર પહેરેલા વસ્ત્ર સહિત જીવતાં બહાર નીકળ્યાં.
કોઇના મુખેથી સવારે આ વાત સાંભળીને ધનદત્ત આદિ ત્રણે જણા ત્યાં આવ્યા તો સર્વે મહેલો અને નાના મોટા બધા આવાસો બળીને રાખ થઈ ગયેલા તેઓએ જોયા. તે જોઈને તેઓ બહુ ઉદ્વેગ પામ્યા; પરસ્પર એકબીજાનાં મોઢાં સામું જોતાં તેઓ નિઃશ્વાસ મૂકવા લાગ્યા.
આથી મનમાં અતિશય દુઃખને ધારણ કરતાં ધનદત્ત, દેવ તથા ચંદ્ર તરફ જોઇને પિતા ધનસારે કહ્યું: “પુત્રો ! હવે તો બહુ થયું ! પાપના ઉદયથી આજે આ બધું ભસ્મીભૂત થઈ ગયું, તેથી હવે શું કરવું ? જેના પ્રબલ ભાગ્યથી અચિંતિત રીતે પણ જંગલમાં મંગલ થતું તે ધન્યકુમાર તો ઘર ભરેલું મૂકીને ચાલ્યો ગયો, તે હોત તો આવું થાત નહિ.”
પિતાનાં આવાં વચનોને સાંભળીને, તથા લઘુબંધુ ધન્યની પ્રશંસા સાંભળીને તેઓને ક્રોધ ઉત્પન્ન થયો. અને કઠોર વચનો વડે વૃદ્ધ પિતાનો તિરસ્કાર કરતા તેઓ બોલ્યા :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org